Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ગોંડલના વાસાવડમાં નકલી દૂધ બનાવવાનો પર્દાફાશ

આનંદ ડેરી ફાર્મમાં દરોડોઃ ૩ની ધરપકડઃ ૮૦૦ લીટર દૂધ સહિત રૂ. ૩.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ : તાલુકાના વાસાવડમાં પોલીસે નકલી દૂધ બનાવવાનો પર્દાફાશ કર્યો છે અને માલ-સામાન જપ્ત કર્યો છે. (તસ્વીર - અહેવાલ : નરેશ શેખલીયા, ગોંડલ)

ગોંડલ તા. ૭ : ગોંડલ તાલુકાના વાસાવડમાં પોલીસે નકલી દૂધ બનાવવાનો પર્દાફાશ કર્યો છે અને ૮૦૦ લીટર દૂધ સાથે ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકા પોલીસે ગોંડલના વાસાવડ ગામે ખત્રીવાડ વિસ્તારમાં આવેલ આનંદ ડેરી ફાર્મમાં બાતમીના આધારે નકલી દૂધની તપાસ હાથ ધરી હતી.બાદમાં ડેરી માલિકઙ્ગ નથુભાઇ રામભાઈ રાવલીયાના ઘરે ફૂડ અને ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને પોલીસે રેડ કરતાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું.પોલીસે નથુભાઇ રામભાઈ રાવલીયા આહિર નામના શખ્સની સાથે તેમના પુત્ર મકન રાવલીયા અને કિશોર પડસાલીયા સહિતનાઙ્ગ ત્રણ શખ્સોને નકલી દૂધ બનાવતા ઝડપી પાડ્યાં હતાં. આ સાથે જ પોલીસે ડુપ્લીકેટ દૂધ બનાવવામાં વપરાતો સાગર મિલ્કત પાવડર,જેમીની વનસ્પતિ ઘી,સોયાબીન તેલ,માલટોડેકસ કેમીકલ અને દૂધ બનાવવામાં વપરાતા વાસણો,સીન્ટેકસ ટાંકીઓની સામગ્રી સાથે દૂધ હેરાફેરીમાં વપરાતું બોલેરો વાહન મળીને રૂપિયા ૩,૨૩,૯૪૦નો મુદામાલ કબજે કર્યો હતો.અને તેમાંથી રૂપિયા ૪૫,૫૨૦ની વિવિધ છુટક સામગ્રી સાથે ૮૦૦ લીટર દૂધનો જથ્થો સ્થળ ઉપર નાશ કર્યો હતો.

પોલીસે વાસાવડ ગામે ડુપ્લીકેટ દૂધ બનાવવાના રેકેટના કરેલા પર્દાફાશમાં ઝડપાયેલા આહિર શખ્સ પાસે ડુપ્લીકેટ દૂધ બનાવવાનું રીહર્સલ કરાવ્યું હતું.તો બીજી તરફ એફેસીએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ દૂધની સાથે તેમાં ભેળસેળ કરવામાં આવતાં ડુપ્લીકેટ દૂધ બનાવવામાં વપરાતી વિવિધ સામગ્રીઓના નમૂનાઓ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે વાસાવડ ગામે ઝડપાયેલ ડુપ્લીકેટ દૂધ ની મોટાભાગે ભાવનગર સપ્લાય કરવામાં આવતી હોવાની વિગતો પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી.

(11:39 am IST)