Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

માળીયા મિંયાણાના રણમાં મુસ્લીમ પરિવારના ત્રણ નવજાત શિશુની જ દફનવિધી કરાઇ'તી

ત્રણ બાળકોની કબર અને અગરબતીના પેકેટ મળતા તાંત્રીકવિધી થયાના અહેવાલે ખળભળાટ મચાવ્યો'તોઃ ખેડૂત રજાક જેઠાની પત્નીને અધુરા પાસે મૃત બાળકો જન્મતા તેના જ ખેતરમાં દફનવિધી કરાયાનું ખુલ્યું: પોલીસે રહસ્ય ખોલ્યુ

રાજકોટ તા.૭ :.. માળીયા મિંયાણા જુના હંજીયાસર નજીક રણ વિસ્તારમાં ત્રણ કબરો જોવા મળતા અને કબર પાસેથી અગરબતીના પેકેટ મળતા ત્રણ નાના બાળકોની તાંત્રીક વિધી થયાના અહેવાલેખળભળાટ મચાવ્યો હતો જો કે, પોલીસ તપાસમાં મુસ્લીમ પરિવારના અધુરા માસે જન્મેલી નવજાત શિશુઓની દફનવિધી કરાયાનું ખુલ્યું હતું.

માળીયા મિંયાણાના જુના હંજીયાસર નજીક કચ્છના નાના રણમાં રહસ્યમય રીતે રાતોરાત એકી સાથે ત્રણ નાના ભુલકાઓની કબર બનાવી તેના પર સફેદ કપડુ ઢાંકી દીધેલ છે તેમજ સ્થળ પર અગરબતીનું પેકેટ પણ પડયું હોવાથી કોઇ વિધિ થયાની લોક ચર્ચા જાગી છે. રાતોરાત સુમસામ સ્થળે કબ્રસ્તાનના બદલે કચ્છના નારા રણમાં એકી સાથે ત્રણ ભુલકાઓની કબર બની જતા લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે ચર્ચા જાગી છે.

 ત્યારે આ રણમાં દરરોજ બ્લેક કલરની નંબર પ્લેટ વગરની કારના આંટાફેરા થાય છે. તે અંગે પણ અનેકવિધ ચર્ચાઓ જાગી હતી.

દરમિયાન રહસ્યના આટાપટા સર્જતી ત્રણ કબરોના અહેવાલોનો પગલે માળીયા મીંયાણાને પીએસઆઇ જે. ડી. ઝાલા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જયાં ત્રણ કબરો જોવા મળતા આ ખેતર કોનું છે તે અંગે તપાસ કરતા આ ખેતર ખેડૂત રજાક હસનભાઇ જેઠા રે. નવા હંજીયાસરનું હોવાનું ખુલતા પોલીસ ખેડૂત રજાકભાઇ જેડાના ઘરે દોડી જઇ તેની પુછતાછ કરી હતી.

તપાસનીશ અધિકારી પીએસઆઇ  જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, જયાંથી કબરો મળી છે તે ખેડૂત રજાક જેઠાની પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેની પત્નીને છેલ્લા ચાર વર્ષમાં અધુરા માસે ત્રણ નવજાત બાળકો જન્મતા આ ત્રણેય નવજાત શિશુઓની તેના જ ખેતરમાં દફનવિધી કરાઇ હતી.

પોલીસે ખેડૂત રજાક જેડા  તથા તેના આજૂ બાજુમાં રહેતા પડોશીઓ અને સરપંચ સહિતના આગેવાનોના નિવેદનો લેતા તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

(11:37 am IST)