Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધારી રેન્જના એસીએફ એમ.યુ.જાડેજા દ્વારા જામકંડોરણાની શાળામાં ગુણોત્સવ અન્વયે મૂલ્યાંકન

રાજકોટ તા. ૭ : જામકંડોરણાની ઇન્દિરાનગર પ્રા. શાળામાં 'ગુણોત્સવ' અન્વયે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ધારી શ્રી એમ. યુ. જાડેજા દ્વારા શિક્ષણ અભ્યાસનું મૂલ્યાંકન કરાયું હતું.

શ્રી જાડેજા દ્વારા શાળાના વર્ગખંડોમાં જઈને બાળકોના લેખન, ગણન, અને વાંચનનું સ્વયં મૂલ્યાંકન કર્યુ હતું. શાળાના ધો. ૧ થી ૮ ના વર્ગોમાં કુલ ૪૦૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધો. ૧ થી ૪ માં પ્રજ્ઞા વર્ગો ચાલી રહ્યા છે. શાળામાં કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે. આ શાળામાં ૧૫ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.વર્ષ ૧૯૮૮માં સ્થાપના પામેલી ઇન્દિરાનગર પ્રા. શાળાની આધુનિક ઈમારત, પૂરતા વર્ગખંડો તેમજ રમતગમતનું મેદાન સહિતની સુવિધાઓ અહી ઉપલબ્ધ છે.

કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શિક્ષકો દ્વારા સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થના બાદ ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમનું સંચાલન અગ્રણી જે. પી. પરમાર દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ડો. એમ. આર. વ્યાસ, બી. આર. સી.  સંજયભાઈ, શાળાના આચાર્ય અનસુયાબેન પાનસુરીયા, લાયઝન અધિકારીશ્રી વિપુલ પાચાણી, સી. આર. સી. કો-ઓર્ડી.  ચંદ્રિકાબેન, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:24 am IST)