Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

જુનાગઢ જિલ્લામાં ૯૮૦ લાખના ૫૮૧ વિકેન્દ્રીત યોજનાના કામોને મંજુરીઃ જયેશ રાદડિયા

જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇઃ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ

જૂનાગઢ તા.૭ : જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી  અને અન્ન નાગરીક પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને  આજ રોજ તા.૫-૪-૨૦૧૮ના રોજ  સવારે ૧૦ કલાકે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી.. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વર્ષ-૨૦૧૭-૧૮ની જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી અપાઇ હતી.

મંત્રીશ્રીએ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી અને અમલીકરણ અધિકારીઓને પાછલા બે વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના મંજુર થયેલા કામોની પ્રગતિ  અંગે સમીક્ષા કરી હતી. અધિકારીઓને શરૂ ન થયુલા કામો અંગે ફોલોઅપ લઇ તાત્કાલિક કામો શરૂ થાય તે માટે સુચના આપી હતી.તેમજ વર્ષ ૨૦૧૫-૧૬થી વર્ષ ૨૦૧૭-૧૮ સુધીના રીવાઇઝડ રદ-હેતુ-સ્થળ-કામ-રકમ ફેરફારના કામો અને બચત સામે મંજુર કરેલ કામો વગેરેને બહાલી આપી હતી..સને ૨૦૧૮-૧૯ના વીકેન્દ્રીત જિલ્લા આયોજનના કામોને મંજુરી અપાઇ હતી.વર્ષ ૨૦૧૮-૧૯ના રૂ.૯૮૦ લાખના કામોના આયોજનની ચર્ચા કરી આશરે ૫૮૧ કામોને માન્યતા અપાઇ હતી.. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેની યોજનાના કામોને મંજુરી આપવામાં આવી હતી.

માંગરોળ તાલુકાના વર્ષ ૨૦૧૫-૧૬ના સાત કામો શરૂ ન થતા આ અંગે જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ભેંસાણ તાલુકાના ચાલુ વર્ષના કામોની વિગતવાર માહિતી સાથે આયોજન આવેલ ન હોય પાંચ દિવસમાં ગાઇડલાઇન મુજબ આયોજન કરી અહેવાલ કરવા  તાલુકા વિકાસ અધિકારીને સુચના આપી હતી.

જૂનાગઢ જિલ્લામાં વિકાસના કાર્યો માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેમ જણાવી દરેક તાલુકાને સરખા ભાગે ગ્રાન્ટની ફાળવણી કરી સમયસર કામો શરૂ થઇ જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વલ્લભભાઇ દૂધાત, મેયર શ્રી આધ્યશકિતબેન મજમુદાર,ધારાસભ્ય શ્રી હર્ષદભાઇ રીબડીયા, માંગરોળના ધારાસભ્ય શ્રી બાબુભાઇ વાજા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ, માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડા, જૂનાગઢના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી તેમજ અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણી, શ્રી જે.કે. ઠેસીયા, એસ.પી. શ્રી જાજડીયા તથા તાલુકાના પદાધિકારીઓ  તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. જિલ્લા આયોજન અધિકારી શ્રી વી.બી.માંડલીયાએ જિલ્લાના વિકાસ કામોના આયોજન અને બાકી કામો અંગેની પ્રગતિ અંગેની માહિતી આપી હતી.(૨૧.૨)

 

(10:06 am IST)