Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વાંકાનેરના રતનપર ગામના ૮૨ વર્ષના વૃદ્ધને વય વંદના વૃદ્ધ પેન્શન હેઠળ મળતું પેન્શન બંધ થતા અેક ટ્વિટે પેન્શન ફરી મળતુ થઇ ગયું

રાજકોટઃ સોશ્યલ મીડિયાનો સારો ઉપયોગ કરવાથી અનેક પ્રશ્નોનું નિરાકરણ આવે છે. તેનો અેક કિસ્સો વાંકાનેર તાલુકાના રતનપર ગામના વૃદ્ધને પેન્શન મળતું થતા બહાર આવ્યો છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનાં રતનપર ગામના 82 વર્ષના વૃદ્ધને તેમના બેન્કખાતામાં મળતું સરકારી પેન્શન બંધ થયું. તેમણે રાજકોટના જાગૃત યુવાનને પત્ર લખી મદદ કરવા વિંનતી કરી. યુવાને આ અંગે મોરબી જીલ્લા કલેક્ટરને તેમના ઓફિસીયલ ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી ફરીયાદ કરી. મોરબી જીલ્લા કલેક્ટરે આ અંગે તપાસ કરી માત્ર પંદર મિનીટમાં જ ટ્વીટ કરી જવાબ આપ્યો અને વૃદ્ધને પેન્શન મળતું થઇ ગયું. કેવી અદભૂત વાત!.

આ વાત છે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનાં રતનપર ગામના 82 વર્ષના જંયતિગિરી ગોસ્વામીની. આ વૃદ્ધને સરકાર દ્વારા "વયવંદના વૃદ્ધ પેન્શન" હેઠળ પેન્શન મળવા પાત્ર છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેમને આ પેન્શન મળતું બંધ થઇ ગયુ. જે બેંકખાતામાં તેમનું પેન્શન જમા થતું હતુ તે બેન્કમાં તપાસ કરી તો જવાબ મળ્યો કે, પેન્શન જમા થતું નથી. લાચાર વૃદ્ધે રાજકોટના યુવાન શૈલેન્દ્રસિંહ જાડેજાને પત્ર લખી મદદની અપીલ કરી. શૈલેન્દ્રસિંહ જાડેજા માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી વહવટી તંત્ર પારદર્શક બને એ માટે લડત ચલાવે છે અને પર્યાવરણના રક્ષણ માટે કામ કરે છે. વૃદ્ધની આ ફરિયાદના આધારે શૈલેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લાના કલેક્ટરના ઓફશિયલ ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીક કરી કેસની સંપૂર્ણ વિગત આપી અને ઘટતુ કરવા વિનંતી કરી. જીલ્લા કલેકટરે પણ માત્ર 15 મિનીટમાં આ વિશે તપાસ કરી અને ટ્વીટ કરી માહિતી આપી. માહિતી પત્રકની નકલ જોડી અને જણાવ્યું કે, વૃ્ધનું પેન્શન તેમના અન્ય બેંક ખાતામાં જમા થાય છે. વૃદ્ધને પેન્શન મળતુ થઇ ગયું.

રસપ્રદ વાત એ છે કે, શૈલેન્દ્રસિંહ જાડેજા અને જંયતિવન ગોસ્વામીને વ્યક્તિગત રીતે ઓળખતા પણ નથી અને તેમની વચ્ચે ક્યારે રૂબરૂ કે ટેલિફોનિક વાત પણ થઇ નથી. માત્ર પત્ર વ્યવહારથી બંને વચ્ચે સંપર્ક છે. તેમની પેન્શન વિશેની તેમની મુંઝવણ દૂર થયા પછી આ વૃદ્ધે 26 માર્ચના રોજ જાડેજાને પત્ર લખી આભાર માન્યો. આ પત્રમાં તેમણે લખ્યું, "વૃદ્ધ પેન્શન વિશેની મુશ્કેલી વિશે આપના તરફથી જે કાર્યવાહી થઇ તે રજૂઆતને સફળતા મળી એ બદલ તમારો આભાર માનું છુ." શૈલેન્દ્રસિંહ જાડેજા કહે છે કે, જંયતિગિરી ગોસ્વામીના પત્ર-વ્યવહાર પરથી લાગે છે કે, ઉંમરના કારણે તેમને એ વાતનો ખ્યાલ નહિં હોય કે, તેમના બે બેંક એકાઉન્ટ છે અને આધાર લિંક કરેલા બેંક એકાઉન્ટમાં તેમનું પેન્શન જમા થવા લાગ્યું છે. આ કિસ્સામાં, તેમના અને વહિવટીતંત્ર વચ્ચે કોમ્યુનિકેશન ગેપને લીધે મુશ્કેલી થઇ હશે. પણ ટ્વીટરના માધ્યમથી આ સમસ્યાનો સુખ:દ ઉકેલ આવ્યો.

શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કિસ્સો સોશિયલ મિડીયાનો પાવર દર્શાવે છે. સોશિયલ મિડીયાનો રચનાત્મક કામ માટે ઉપયોગ કરવામાં આવે તો, માત્ર આંગળીના ટેરવે આપણે કોઇકની મુશ્કેલી દૂર કરી શકીએ છીએ. ડિજીટલ ઇન્ડિયાને સાચા અર્થમાં વંચિતોના દુખ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય તો સમાજમાં મોટુ પરિવર્તન લાવી શકાય. અમે ઓળખતા નથી એવી વ્યક્તિએ અમારા ઉપર ભરોસો મૂક્યો અને અમે માત્ર અમારા સામાજિક જવાબદારી નિભાવી. સમાજના દરેક શિક્ષિત યુવાનો તેમની આસપાલની સમસ્યાઓ વિશે તંત્રનુ ધ્યાન દોરતા થાય તો આપણે સોશિયલ મિડીયા થકી ઘણા કામ સરળતાથી કરી શકી. બીજી તરફ, મોરબી કલેક્ટરતંત્ર એ જે રીતે ત્વરિત પ્રતિભાવ આપ્યો અને ફરિયાદનો સુખદ નિકાલ કર્યો તે પણ અભિનંદનને પાત્ર છે અને આવી જ રીતે અન્ય વિભાગો પણ આવી રીતે કામ કરે તો લોકોને ઓફિસ સુંધી જવુ પણ ન પડે."

(6:41 pm IST)