Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

અન્યને પ્રેરણારૂપ કાર્ય

અમદાવાદના યુવકના ખાતામાં ભૂલથી જમા થયેલ રકમ ગોંડલ આવી ખાતેદારને પરત કર્યા

ગોંડલ,તા.૭:આજકાલ રૂપિયા માટે કાળા માથાનો માનવી કંઈ પણ કરી નાખતો હોય છે. તેની વચ્ચે કેટલાક લોકો એવા પણ હોય છે જે પારકા ધનને હાથ પણ નથી લગાડતા. આપણે વાત કરી રહ્યાં છીએ એક એવા યુવકની કે જેના બેંક એકાઉન્ટમાં ભૂલથી ગોંડલના વેપારીના ૨ લાખ રૂપિયા આવી જતા અમદાવાદથી ગોંડલ સામે ચાલીને આપવા માટે દોડી આવ્યો હતો. અમદાવાદ રહેતા સાગરદાન ગઢવી નામના યુવકના બેંક એકાઉન્ટમાં પાંચ દિવસ પહેલા ભુલથી બે લાખ રૂપિયા જમા થયા હતા. બાદમાં રૂપિયા ગોંડલના વેપારીના હોવાની જાણ થતા સાગરદાન અમદાવાદથી રૂપિયા દેવા માટે ગોંડલ પહોંચી ગયા હતા. જયાં મૂળ માલિકને રૂપિયા પરત કર્યા હતા. રૂપિયા પરત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

મૂળ ગોંડલના ધરાળા ગામનાં વતની અને અમદાવાદ રહેતા સાગરદાન ગઢવીના બેંક ઓફ બરોડાના બેંક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જોકે બે દિવસ બાદ એટીએમમાં ચેક કરતા પોતાની મૂળ રકમ કરતાં બે લાખ રૂપિયા વધારે હતા. બાદમાં ૪ દિવસ બાદ ગોંડલથી મૂળ માલિકનો ગૌતમ બુક સ્ટોર વાળા હર્ષદભાઈ શેઠ ફોન આવ્યો હતો અને ભૂલથી પોતાના રૂપિયા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી સાગર ગઢવીએ રૂપિયા ખરેખર ગોંડલના જ છે કે નહીં તે અંગે તપાસ કરી હતી. ત્યાર બાદ ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા તેણે ૨ લાખની રકમ હર્ષદભાઈ શેઠ ના હોવાનું જણાવ્યું હતું. જેથી ખ્યાલ આવી ગયો હતો કે ખરેખર રૂપિયાના મૂળ માલિક ગોંડલ ના જ છે.

આ જાણી સાગરદાન પોતાના ગુરુવારે અમદાવાદથી અને વતનમાં રહેતાં પોતાના કાકા હેમુદાન ગઢવી તેમજ સુરેશભાઈ સાથે ગોંડલ દોડી આવ્યા હતા અને બે લાખ જેવી મોટી રકમ મૂળ માલિકને સુપરત કરી માનવતા મંહેકાવી હતી.

(11:41 am IST)