Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મોરબીના ચકચારી કરશન રાકજા હત્યા કેસના આરોપીને શંકાનો લાભ આપી છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૭: મોરબીના ચકચારી કરશન રાકજાના ખુન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

 આ બનાવની હકીકત એવી છે કે, મોરબી ગામના રવાપર ખાતે રહેતા કરશનભાઇ રાકજાનું તા. ૧૧-૨-૨૦૧૧ના રોજ કરશનભાઇ ભવાનભાઇ રાકજાને અન્ય ઇસમોએ મોટી રકમની ચુકવણી કરવાની થતી હતી તે ન ચુકવવી પડે તે માટે તેનું અપહરણ કરી ખુન કરે નાંખેલ છે તેવા મતલબની ફરીયાદ ગુજરનાર કરશનભાઇના ભાઇ રમણીકભાઇ ભગવાનભાઇ રાકજાએ આપેલી હતી.

આ કામે ગુજરનાર કરશનભાઇ ભવાનભાઇ રાકજાને મોતને ઘટ નિપજાવવાના કેસમાં મોરબીના હરેશ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકસીયા તથા ઇશ્વર ઉર્ફે કિશોર લખમણ સતવારાની સામે ઇ.પી.કોડની કલમ-૩૦૨,૨૦૧, ૧૨૦(બી) તથા ૧૧૪ મુજબના ગુનાનું તહોમતનામું ઘડી તહોમત મુકવામાં આવેલ હતું.

ઉપરોકત કેસમાં ફરીયાદપક્ષ દ્વારા કુલ ૫૩ સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંકન કર્યા બાદ મોરબીના સેસન્સ જજ શ્રી રિઝવાના એ. ઘોઘારી દ્વારા આરોપી હરેશ ઉર્ફે હકાભાઇ નારણને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ હતો. જયારે આરોપી ઇશ્વર ઉર્ફે કિશોર લખમણનું ચાલુ કેસ દરમ્યાન મૃત્યુ થયેલ હતું.

આ કેસમાં આરોપી હરેશ ઉર્ફે હકાભાઇ નારણવતી એડવોકેટ શ્રી ભાવિન એન. દફતરીએ દલીલ કરતાં જણાવેલ કે, હાલના કેસમાં બનાવ બાદ લાંબા સમય બાદ ફરિયાદ લેવામાં આવેલ છે.

હાલનાં કેસમાં ફરિયાદપક્ષ દ્વારા કેસ સાબીત થયેલ નથી. હાલના કેસમાં એકપણ નજરે જોનારા સાહેદ હતો નહી. જે સાંયોગિક પુરાવા ઉપર ફરીયાદપક્ષ આધાર રાખે છે તે સાંયોગિક પુરાવાઓ એકબીજા સાથે કડી બનાવી સાંકળી શકાય તેવા મતલબના પુરાવા નથી. તપાસ કરનાર અમલદાર પાસે આરોપીની ધરપકડ કરી ત્યાં સુધી આરોપી વિરૂદ્ધ કોઇ જ પુરાવો ન હતો.

બચાવપક્ષની સમગ્ર દલીલ તથા રજુ થયેલ ઓથોરીટીઓ ધ્યાને લઇ મોરબીના સેસન્સ જજ શ્રી રિઝવાના ઘોઘારીએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપી હરેશ ઉર્ફે હકાભાઇ નારણભાઇ વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી નિરંજનભાઇ દફતરી, ભાવિન દફતરી, નેહા દફતરી, નૂપૂર દફતરી, દિનેશભાઇ રાવલ, મુકેશભાઇ કેશરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મેઘાવીબેન ગજ્જર, પિનલબેન સાગર, હર્ષભાઇ ભિમાણી, વિક્રાંતભાઇ વ્યાસ તથા અનિલભાઇ ભટ્ટ રોકાયેલ હતા.

(4:09 pm IST)