Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જુનાગઢ ૧૭ થી ૨૧ શિવ ભકિતમયઃ મહાશીવરાત્રી મેળાની તડામાર તૈયારી

સોરઠના કલાકારો દ્વારા ભજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોઃ કલેકટર ડો. સૌરભ પારઘીની ઉપસ્થિતીમાં સમીક્ષા બેઠક યોજાઇ : વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

જુનાગઢઃ જૂનાગઢ તા.૬ : પવર્તાધિરાજ ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં દર વર્ષે યોજાતા પરંપરાગત અને સંપુર્ણ શિવ ભકિતમય એવા મહા શિવરાત્રીના મેળાની તૈયારી જિલ્લા વહિવટી તંત્રના સંકલન હેઠળ મહાનગર સહિતના વિભાગો કરી રહયા છે. આજે જૂનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મહા શિવરાત્રીના તા.૧૭ થી ૨૧ સુધીના મેળાની તૈયારી માટેની બીજી સંકલન બેઠક મળી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રવેડીની સંબંધિત વ્યવસ્થા, યાત્રિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઝીણામાં ઝીણી બાબતોને આવરી લઇને માઇક્રો પ્લાનીંગ કરી આખરી ઓપ આપી દેવા સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં મેળા અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી જવલંત રાવલે સાંસ્કૃતિક કમિટીએ મેળામાં તા.૧૭ અને તા.૨૦ ત્રણ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે કરાયેલ આયોજન અંગેની માહિતી આપી હતી. જેમાં નવોદિત કલાકારો તેમજ સુપ્રસિધ્ધ પ્રજાણીતા ભજનીક, લોક સાહિત્યકાર, ગાયક કલાકારો દ્વારા રજુ થનાર કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સોરઠ- સૌરાષ્ટ્રના કલાકારોને સ્ટેજ મળે તો લોકો પણ સારી રીતે કાર્યક્રમ માણી શકે અને કલાકારો પણ પ્રોત્સાહિત થાય તે બાબતને ધ્યાને લઇને કલેકટરશ્રીએ આ પ્રસ્તાવને અનુમતિ આપી હતી. ત્રણ દિવસ સુધી ૪૫ કલાકારો શિવભકિત સાથે ભજન, ગીત અને સોરઠી લોક સાહિત્ય પીરસશે.

જૂનાગઢ મહાનગર પાલિકાના અધિકારી શ્રી નંદાણીયાએ મહાનગરપાલિકા દ્વારા મેળામાં પાણી, રસ્તા, સફાઇ, ઉતારા મંડળની વ્યવસ્થા તેમજ આરોગ્ય વિભાગના સંકલનથી હંગામી દવાખાના તેમજ એમ્બયુલન્સઁ અને અગ્નિશામક વાહનો સહિતી સેવાઓ અંગે કરવામાં આવી રહેલી તૈયારીઓની વિગત આપી હતી. સી.સી ટીવી કેમેરાથી મોનીટરીંગ તેમજ કંટ્રોલ રૂમ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘે જરુરી સુચના અને સંકલન અંગેની વિગતો આપી હતી. કલેકટરશ્રીએ વિવિધ વિભાગોની કામગીરીનું સંકલન થાય તે માટે એકબીજા અધિકારીઓ સંકલન રાખે અને થયેલી કામગીરી અંગેની વિગતો રજુ કરે તે અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય તો તેમને પરિવહનના વધું ભાડા ન લેવામાં આવે તે માટે યોગ્ય ભાડુ નકકી કરવા સુચના આપી હતી. મેળામાં પુરતી અને સારી કંડીશનની એસ.ટી. બસ ફાળવવામાં આવે તે માટે પણ એસ.ટી. વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી સુનિલ બેરવાલ, અધિક કલેકટર શ્રીડી.કે. બારીઆ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રસ્તા એકમાર્ગીય જાહેર

જુનાગઢઃ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા.૧૭ થી તા.૨૧ સુધી મહા શિવરાત્રી મેળો યોજાનાર છે. આ મેુળામાં વિશાળ પ્રમાણમાં યાત્રાળુઓ એકત્રીત થનાર   હોય યાત્રાળુઓની અવર જવરના કારણે  લોકોની સલામતી માટે કોઇ અકસ્માતનો બનાવ ન બને તે માટે યાત્રાળુઓ માટે મેળા દરમ્યાન  ગિરનાર ઉપર અંબાજી  મંદિર સુધી જવા માટે ગિરનારના પગથિયાથી મુખ્ય સીડી ઉપર જઇ શકાશે તથા પરત ઉતરવા માટે આ મુખ્ય સીડી બંધ રહેશે.  મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ તળેટીથી સીધા જ ભવનાથ મંદિર તરફ જઇ શકાશે નહી પરંતુ વડલી ચોક થઇને ભવનાથ મંદિર સુધી જઇ શકાશે.

ભવનાથ મેળામાં બળદ ગાડી અને ઘોડાગાડી જેવા વાહનો માટે પ્રતિબંધ

શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા શિવરાત્રી મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓ  આવનાર હોય ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા  મેજીસ્ટ્રેટશ્રીએ તા. ૧૭ થી તા. ૨૧ સુધી બંન્ને દિવસો સહિત ઉટગાડી-ઘોડાગાડી-બળદગાડી જેવા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવેલ છે.

(1:00 pm IST)