Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ધોરડોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૪૭ વિદેશી દેશના ૩૫ પતંગ બાજો પેચ લડાવશે

પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ આયોજન સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરી : વિદેશી પતંગ બાજો ફ્રાંસનાં ૪, આર્જેન્ટીનાના ૫, ઓસ્ટ્રેલિયાથી ૩, બેલારૂસના ૪, બેલ્જિયમના ૨, બ્રાઝિલના ૩, કમ્બોડિયાનાં ૪, ચીલીના ૩, માલ્ટાના ૧, ચાઇનાના ૩, કોલંબિયાના ૪, કુરાકાઓથી ૩, ડેન્માર્કના ૪ અને એસ્ટોનિયાના ૨ સ્પર્ધકો જોડાશે

ભુજ,તા.૭: ધોરડો ખાતે આગામી ૧૧મી જાન્યુઆરીએ યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરડોમાં દેશ-વિદેશનાં ૮૦થી વધુ પતંગબાજો જોડાવાનાં છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો ખાતેનાં આંતરરાષ્ટ્રીય મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભુજ પ્રાંત મનીષ ગુરવાણીના અધ્યક્ષપદે ચોથી જાન્યુઆરીએ કામગીરીનાં આયોજનની સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી.

બેઠકમાં દેશ-વિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી પતંગની મજા માણી શકે તે માટે સફેદ રણ ધોરડો ખાતે તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ધોરડો ખાતે સવારે ૧૦.૦૦ થી ૪.૦૦ વાગ્યા દરમિયાન યોજાનારા કાઇટ ફેસ્ટીવલ યોજાશે, જેમાં ધોરડોનાં સ્થાનિક લોકો પણ ઉમંગભેર કાઇટ ફેસ્ટીવલને માણશે.

કાઇટ ફેસ્ટીવલમાં જોડાનારાં દેશ-વિદેશનાં કાઇટીસ્ટોની વિગતો આપતાં નિરવ પટ્ટણીએ જણાવ્યું હતું કે, ધોરડો ખાતે ફ્રાંસનાં ૪, આર્જેન્ટીનાના ૫, ઓસ્ટ્રેલિયાથી ૩, બેલારૂસથી ૪, બેલ્જિયમના ૨, બ્રાઝિલના ૩, કમ્બોડિયાનાં ૪, ચીલીના ૩, માલ્ટાથી ૧, ચાઇનાથી ૩, કોલંબિયાથી ૪, ક્રોએશિયાથી ર, કુરાકાઓથી ૩, ડેન્માર્કથી ૪ અને એસ્ટોનિયાના ૨ પતંગબાજો જોડાવાનાં છે.

આ ઉપરાંત દેશના જુદાં-જુદા ભાગોમાંથી પતંગબાજો ઉપસ્થિત રહેવાના છે, જેમાં રાજસ્થાનથી ૧૦, કેરાલાથી ૧૬, પંજાબથી ૭ અને કર્ણાટકના ૨ મળી કુલ ૩૫ પતંગબાજો ધોરડો ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે.

આ બેઠકમાં ભુજ મામલતદાર યુ.એ.સુમરા સહિત પ્રવાસન વિભાગ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)