Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ખાતે વન વિભાગે રેસ્કયુ કરી અજગર બચાવ્યો

સુરેન્દ્રનગર,તા.૭:  સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગૌતમગઢ ખાતે મૂળી વનવિભાગ દ્વારા રેસ્કયુ કરી અજગરનો જીવ બચાવવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યા પ્રમાણે ગૌતમગઢ ગામની સીમ વાડી વિસ્તારમાં થોરની કાંટાળી વાડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા અજગર થોરની વાડમાં વધુને વધુ અંદર ફસાયો હતો. જેની જાણ થતા મુળી તાલુકા પંચાયતના સદસ્યશ્રી ધીરુભા પરમાર દ્વારા નોર્મલ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે અન્વયે ગામજનોના સહકારથી વનવિભાગની ટીમ દ્વારા સખત મહેનતના પરિણામે થોરની કાંટાળી વાડમાંથી આશરે ૯ ફુટ લાંબા અજગરનું રેસ્કયું સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અજગરની જરૂરી સામાન્ય સારવાર કરીને તેને સલામત રીતે જંગલ વિસ્તારમાં રીલિઝ કરવામાં આવ્યો હતો.

આ રેસ્કયુ ઓપરેશન દરમિયાન વનવિભાગના કર્મચારીઓ દ્વારા અજગરએ સિંહની જેમ જ વન્ય પ્રાણી અધિનિયમ, ૧૯૭૨ હેઠળ અનુસૂચિ ૧ નું વન્યપ્રાણી છે. આથી અજગરને કોઈપણ રીતે હેરાન કરવો, પકડવો કે મારવો તે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ, ૧૯૭૨ અન્વયે સજાપાત્ર ગુનો છે અને આ ગુનો કરવા બદલ દંડ ઉપરાંત સાત વર્ષ સુધીની કેદ થઈ શકે એવી ગામ લોકોને  સમજ આપવામાં આવી હતી.     

આ રેસ્કયુ ઓપરેશનમાં નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી. મકવાણાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી એ.કે.અમીન, ફોરેસ્ટશ્રી દાનુભા ગોહિલ, વિક્રમસિંહ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવેલ હતી.

(11:50 am IST)