Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હવે પંજાબ - કાશ્મીર નહી પણ ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ પોઇન્ટ

મુંબઇ- મલાડનાં ડ્રગ્સ ડિલરોનાં ઇનપુટના પગલે કચ્છમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ...: ૪ વર્ષમાં સૌરાષ્ટ્ર -કચ્છમાં ઝડપાયેલા ડ્રગ્સનો આંકડો ૫ હજાર કરોડથી પણ વધુઃ ડ્રગ્સ ડીલર રાજેશ જોશી અને કૃષ્ણમુર્તિની પુછપરછે ખોલ્યા ડ્રગ્સ કારોબારના રાઝ

ભુજઃ ડ્રગ્સનો કરોડો રૂપિયાના જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. (તસ્વીરઃ વિનોદ ગાલા. ભુજ)

ભુજ,તા.૭: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાંથી પકડાતા ડ્રગ્સના સમાચારોને સનસનાટી તરીકે નહીં પણ હવે પાકિસ્તાનના પ્રોક્ષી યુદ્ઘ તરીકે જોવાનો સમય આવી ગયો છે. સરદાર અને ગાંધીના ગુજરાતમાં આજે જે રીતે ગાંજાનું, હુક્કાબારનું અને ફાર્મહાઉસમાં રેવપાર્ટી ચલણ વધી ગયું છે એ દર્શાવે છે કે, આપણી યુવા પેઢી કઈ રીતે નશાની દુનિયા તરફ ધકેલાઈ રહી છે.

જોકે, આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, આપણા દેશના યુવાધનને નશાની દુનિયામાં દ્યસેડવાનું એક મોટું ષડયંત્ર પડોશી દુશ્મન દેશ દ્વારા રચાયું છે. પહેલાં સમૃદ્ઘ કાશ્મીરની દુર્દશા થઈ પછી નશાએ પંજાબનો દાટ વાળ્યો. હવે, દેશના મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ અને અન્ય મોટા શહેરોનું યુવાધન નિશાના ઉપર છે.

ગઈકાલે ઝડપાયેલા ૧૭૫ કરોડના ડ્રગ્સ પ્રકરણની અંદરની વાતો એ દર્શાવે છે કે, ડ્રગ્સ માફિયાઓના મૂળ ભારતમાં ઊંડા છે. કચ્છના જખૌના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સનું ઇનપુટ મુંબઈના એન્ટી નાર્કોટિકસ સેલે બે દિવસ પહેલા ૪ જાન્યુઆરીએ મલાડમાંથી ઝડપાયેલા બે ડ્રગ્સ ડિલરો રાજેશ જોશી અને કૃષ્ણમૂર્તિ મુટ્ટીએ માહિતી આપી હતી કે, કચ્છ ગુજરાતના દરિયા વાટે પાકિસ્તાથી ડ્રગ્સનો મોટોઙ્ગ જથ્થો આવવાનો છે.

જે દિલ્હી તરફ ડિલિવરી કરવાનો છે. મુંબઈ પોલીસે આ ઇનપુટ ગુજરાત એટીએસને આપ્યું હતું અને ગુજરાત એટીએસે કચ્છ પોલીસ તેમ જ કોસ્ટગાર્ડની મદદ લઈને ૩૫ કિલો ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાનીઓને ઝડપી લીધા. ઝડપાયેલા આ પાકિસ્તાનીઓ અનિસ ઇસ્માઇલ ભટ્ટી, ઇસ્માઇલ મોહમદ કચ્છી, અશરફ ઉસ્માન કચ્છી, કરીમ અબ્દુલા કચ્છી અને અબ્દુલા અશરફ સુમરા છે.

જોકે, મુંબઈ પોલીસે ઝડપેલા બે ડ્રગ્સ ડિલરો રાજેશ જોશી અને કૃષ્ણમૂર્તિએ અનેક રાઝ ખોલી નાખ્યા છે. કચ્છમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો આ જથ્થો દિલ્હી જવાનો હતો. હવે પાકિસ્તાન ડ્રગ્સના કારોબાર વડે, ડ્રગ્સ માફિયાઓનો ઉપયોગ કરીને ભારતની યુવાપેઢીને નશામાં ધકેલીને બરબાદ કરી પ્રોક્ષી યુદ્ઘ કરી રહ્યું છે. કાશ્મીર અને પંજાબ જેવા સમૃદ્ઘ રાજયોના યુવાનોને ડ્રગ્સ દ્વારા નશાના બંધાણી બનાવીને બરબાદ કર્યા પછી ડ્રગ્સના કારોબાર માટે હવે સમૃદ્ઘ રાજયો એવા ગુજરાત મારફતે મુંબઈ, મહારાષ્ટ્રનો ઉપયોગ થઈ રહ્યો છે.

ડ્રગ્સના જથ્થાનો આંકડો જોઈ આપની આંખો પહોળી થઇ જશે

વર્ષ ૨૦૧૫ માં પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડે દ્વારા ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. વર્ષ ૨૦૧૭ માં ૨૧ જુલાઈના જખૌ પોરબંદર વચ્ચે ઈરાની જહાજમાંથી કોસ્ટગાર્ડે ૩૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. મે ૨૦૧૮ માં જખૌના દરિયામાંથી એટીએસ અને કોસ્ટગાર્ડે ૫૦૦ કરોડનું ડ્રગ્સ, માર્ચ ૨૦૧૮ માં પોરબંદર પાસેથી ૫૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું હતું. છેલ્લા ચાર વર્ષમાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાનો આંકડો ૫૦૦૦ કરોડને આંબી જાય છે. એ જ રીતે જે ડ્રગ્સ દ્યુસી ગયું હશે તે પણ ગણીએ તો ખ્યાલ આવશે કે કઈ રીતે ભારતના યુવાધનને બરબાદ કરવાનું આંતરિક યુદ્ઘ થઈ રહ્યું છે. સરકારે હવે ડ્રગ્સ માફિયાઓ સામે પણ ફાંસીનો ફંદો તૈયાર કરવાનો આકરો નિર્ણય દેશહિત માટે લેવાનો સમય આવી ગયો છે.

(11:48 am IST)