Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાજપને ઉખેડીને પ થી ૬ ફુટના ખાડામાં દાટી દેજો, કપાસના ટેકાના ભાવ રૂ. ૧પ૦૦ એક મણના નહિ પરંતુ બે મણના હતાઃ વડીયામાં હાર્દિકની સટાસટી

રાજકોટ, તા., ૭: પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે અમરેલી જીલ્લામાં છે. આજે સાંજે હાર્દિક પટેલનો વડીયા કુકાવાવ લુણીધાર સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો યોજાયો હતો. જેમાં હાર્દિક પટેલે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું કે આ વખતે ભાજપને ઉખેડીને પ થી ૬ ફુટના ખાડામાં દાટી દેજો. કપાસના ટેકાના ભાવ મુદ્દે હાર્દિક પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારે રૂ. ૧પ૦૦ ટેકાના ભાવ જાહેર કર્યા છે તે એક મણના નહિ પરંતુ બે મણના હોય તેવું લાગે છે. આપણે કેશુભાઇ પટેલની સરકાર વખતના ભાજપ વાળા માણસો છીએ. તેથી ભાજપ સિવાય ગમે તેને મત આપજો. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે અમરેલી જીલ્લાએ ૩ થી ૪ કૃષીમંત્રી આપ્યા  છે તેમ છતા કૃષી ક્ષેત્રે અમરેલી જીલ્લો ઘણો પાછળ છે. આ તકે સ્વાગત પ્રવચન પાસના પ્રદેશ પ્રવકતા હરેશભાઇ બાવીસીએ કર્યુ હતું. તેમજ જુદા જુદા સમાજ દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

(5:29 pm IST)