Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જબરો રાજકીય 'ખેલ': અર્જુનભાઈ v/s અરજણ મોઢવાડીયા

પોરબંદરમાં 'હાઈવોલ્ટેજ ડ્રામા': કોંગ્રેસનું 'જય હો' વગાડી અપક્ષ અરજણ મોઢવાડીયાનો પ્રચાર થતો'તો !! ગોઠવણ ભાજપની !!: કોંગ્રેસના કાર્યકરોએ આઠેક રિક્ષામાંથી બેને ઝડપી લીધી, પોલીસને જાણ કરી પરંતુ ઢીલી નીતિથી રોષઃ અપક્ષના બચાવમાં ભાજપનું ટોળુ ધસી ગયું: મોડે મોડેથી બે અલગ અલગ ગુન્હા નોંધાયા

રાજકોટ, તા. ૬ :. 'એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર' એવી કહેવત મુજબ હાલ ચૂંટણી જંગમાં અનેકવિધ નિતનવા કીમીયાઓ અજમાવાઈ રહ્યા છે. રાજકોટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયા બાદ આવો જ ખેલ જ્યાં બે બળીયા વચ્ચે સીધો જંગ છે તેવા પોરબંદરમાં જબરો રાજકીય ખેલ બહાર આવ્યો છે. પ્રચાર અપક્ષનો અને ગોઠવણ ભાજપની એવા આક્ષેપો વચ્ચે અર્જુન મોઢવાડીયા સામે અપક્ષ અરજણ મોઢવાડીયાનો પ્રચાર કરતી રીક્ષામાં કોંગ્રેસનું 'જય હો' ગીત વગાડાતા ધમાલ મચી ગઈ હતી.

કોંગ્રેસના ગત ચૂંટણીના 'જય હો' ગીતની થીમના આધારે પોરબંદરમાં કોંગ્રેસી ઉમેદવાર અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયાના મતોનું વિભાજન કરવાના હેતુથી અપક્ષ ઉમેદવાર અરજણ વિરમભાઈ મોઢવાડિયાનો પ્રચાર કરતી સાતથી આઠ રીક્ષામાંથી બે રિક્ષાઓને કોંગ્રેસી કાર્યકરોએ ઝડપી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસની નિષ્ક્રીયતાથી વાતાવરણ વધુ તંગ બન્યુ હતુ. જો કે અંતે ઉચ્ચકક્ષાએ રજુઆત બાદ બે અલગ અલગ ગુન્હા દાખલ થયા હતા.

આખી ઘટનાની વિગતો જોઈએ તો પોરબંદર શહેરમાં ગઈકાલે સાતથી આઠ રિક્ષા કોંગ્રેસનું ગીત 'જય હો' વગાડીને ભળતા નામધારી અપક્ષ ઉમેદવાર અરજણ વિરમભાઈ મોઢવાડીયાનો પ્રચાર કરતા કોંગ્રેસી કાર્યકરોએ આમાંથી બે રીક્ષાને ઝડપી લઈને પૂછપરછ કરતા ભાજપી કાર્યકરોએ પેનડ્રાઈવ અંગે તથા રીક્ષાના ખર્ચ સહિતની વાતો જાણતા તેમને ચોંકાવનારી હકીકતો જણાતા તૂર્ત જ અર્જુનભાઈ મોઢવાડીયા તથા રામદેવભાઈ મોઢવાડીયાને જાણ કરાઈ હતી.

પોલીસ સ્ટેશને ફોન કરાયો પરંતુ પોલીસ ન આવી પાછળથી ચૂંટણી ઓર્બ્ઝવર તથા ડી.એસ.પી.ને જાણ કરાતા પી.આઈ. ઘટના સ્થળે આવ્યા પરંતુ ગંભીરતા ન લેવાયાના આક્ષેપ થયા હતા.

રીક્ષા ચાલકે કરેલી કબુલાતની વીડીયો કલીપીંગ તૂર્ત જ સોશ્યલ મીડીયામાં વહેતી કરી દેવાઈ હતી.

 આ અંગે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિપક્ષી નેતા તથા પોરબંદર બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાનો સંપર્ક સાધતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારો ચૂંટણી બેલેટ ક્રમાંક ૧ નંબર છે જ્યારે અપક્ષ ઉમેદવાર અરજણભાઈ મોઢવાડીયાનો ૧૦ નંબર છે જેનો ગેરલાભ લઈ ભાજપે આખુ તરકટ રચ્યુ હતુ અને કોંગ્રેસની થીમ 'જય હો'ના ગીત પર પ્રચાર કરાયો હતો જે ગંભીર બાબત છે.

કોંગી ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાના જણાવ્યા મુજબ ગઈકાલ અમારા કાર્યકરોને જાણ થતા બે રીક્ષાને અટકાવીને તૂર્ત જ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ આવી ન હતી અંતે મને જાણ કરાતા હું સ્થળ પર પહોંચી ગયો હતો અને ચૂંટણી ઓબ્ઝર્વર અને એસ.પી. શોભા ભૂતડાને જાણ કરાતા પોલીસ ઈન્સ્પેકટર ઘટના સ્થળે આવ્યા હતા પરંતુ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી અને પ્રચાર માટેની પેનડ્રાઈવ પણ કબ્જે કરવામાં આળસ દાખવી હતી.

શ્રી મોઢવાડીયાના જણાવ્યા પ્રમાણે અપક્ષ ઉમેદવારને સંકટમાં મુકાતા જોઈને ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં ધસી આવ્યા હતા. મામલો અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે હતો પરંતુ ભાજપના આગેવાનો અપક્ષના બચાવમાં તથા પોતે આચરેલા તરકટને બચાવવા દોડી આવતા તેમનુ પ્રપંચ જાહેર થઈ ગયુ હતું.

શ્રી મોઢવાડીયાના જણાવ્યા મુજબ રિક્ષાચાલકોએ પણ જાહેરમાં સ્વીકાર્યુ હતુ કે તેમને પ્રચાર સાહિત્ય તથા રીક્ષાઓનો ખર્ચ ચોક્કસ પક્ષના આગેવાનોએ આપ્યો હતો.  પોલીસ ઈન્સ્પેકટરની ભેદભાવભરી નીતિના વિરોધમાં કોંગ્રેસે પોલીસ ઈન્સ્પેકટર વિરૂદ્ધ ફરીયાદ કરવાની પણ તજવીજ આદરી હતી પરંતુ અંતે ભળતા નામે ભળતી થીમ ઉપર અન્યોના કહેવાથી પ્રચાર કરતા રિક્ષાચાલકો સામે ગુન્હો દાખલ કરાયો હતો અને કોંગ્રેસી કાર્યકરો ઉપર હુમલો કરવા ધસી આવેલા ભાજપી કાર્યકરો સામે પણ ફરીયાદ દાખલ થઈ હતી.

રિક્ષાચાલકોને ઝડપી લેવામાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, યુવા કોંગ્રેસ પ્રમુખ સહિતની ટીમે મજબૂત ભાગ ભજવ્યો હતો.

પોરબંદરમા 'જય હો' થીમ પર પ્રચાર પ્રપંચ આદરી કોંગ્રેસના મતોનું વિભાજન કરનારી આ ઘટના અંગે ભારે ચકચાર જાગી છે.

 

(12:07 pm IST)