Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ગિરનાર રોપ-વે ઉપર પ્રવાસીઓનો ચક્કાજામ:વ્યવસ્થાના અભાવે લોકોનું હલ્લા બોલ:એડવાન્સ બુકિંગ કરાવનારને પણ વેઇટિંગ

જૂનાગઢઃ દિવાળીના તહેવારોની રજાને લઈને પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ ગિરનાર રોપવે ખાતે પણ પ્રવાસીઓનો ચક્કાજામ જોવા મળ્યો છે. ગિરનાર રોપવે સાઇટ ઉપર પ્રવાસીઓની ભારે ભીડના કારણે લાંબી લાઈનો જોવા મળી, ત્યારે અગાઉથી ઓનલાઈન બુકીંગની લાંબી લાઇન હોવા છતાંય ઓફલાઇન બુકીંગને પ્રવેશ અપાતો હોવાથી ઓનલાઈન બુકીંગની લાંબી લાઈનમાં ઉભેલા પ્રવાસીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

આજરોજ ભાઈબીજના દિવસે ગિરનાર રોપવે ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું. તહેવારોની રજામાં પરિવાર સાથે મજા માણવા નીકળી પડેલા પ્રવાસીઓએ અગાઉથી જ ગિરનાર રોપવેનું બુકીંગ કરાવી સવારે 7 વાગ્યાથી જ ગિરનાર રોપવે સાઇટ ઉપર લાંબી લાઈનો લગાવી હતી. ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરાવીને આવેલાં પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી હોવા છતાં, ઓફલાઇન બુકીંગના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાથી, ઓનલાઈન બુકીંગની લાંબી લાઈનમાં ઉભેલા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.

પ્રવાસીઓના કહેવા મુજબ ઓનલાઈન બુકીંગ એડવાન્સ કરાવેલું હોવા છતાં સતત ત્રણ થી ચાર કલાક વેઇટિંગમાં ઊભાં રહીને તેઓને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોપવે સાઈટની બહાર લાંબી લાઈનો લાગી છે, ત્યાં વ્યવસ્થાના નામે મીંડું છે, તેવું પ્રવાસીઓએ જણાવવ્યું હતું. વૃદ્ધ તેમજ વિકલાંગ લોકોને પણ લાંબી લાઈનમાં ઉભવાની ફરજ પડી હતી. અનેક પ્રવાસીઓએ લાંબી લાઈનમાં ઊભીને કંટાળીને ટિકિટના નાણાં રિફંડ લેવા માટે પણ અનેક પ્રયત્ન કર્યા હતા.

ગિરનાર રોપવેના મેનેજમેન્ટને લઈને નારાજ થયેલા પ્રવાસીઓએ રોપવે સાઇટ ઉપર હલ્લો મચાવ્યો હતો. જેને લઈને ગિરનાર રોપવે સાઈટના મેનેજર જી.એમ.પટેલએ તાત્કાલિક ઓફલાઇન ટીકીટબારી બંધ કરીને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવેલ પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત મેનેજર જી.એમ.પટેલે જણાવ્યું હતું કે, દિવાળીની રજા દરમિયાન આજ સુધીમાં અંદાજે 15 હજાર કરતા વધુ લોકોએ રોપવે દ્વારા ગિરનારની સફર કરી છે.

અત્રે નોંધનીય છે કે, આગામી દિવસોમાં પણ રજા હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસથી વધારો થવાનો છે, ત્યારે ગિરનાર રોપવે મેનેજમેન્ટ રોપવે સાઇટ ઉપરની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવે તેવી માંગ ઉઠી રહી છે.

(6:34 pm IST)