Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

SSCમાં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશેઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ભાવનગરથી જાહેરાત કરાઇ

નવા વર્ષે મળેલી આ ભેટથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ સુધરશે

ભાવનગર: નવા વર્ષે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને સૌથી મોટી ભેટ આપી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી છે. SSCમાં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાયો હોઈ ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરથી આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ધોરણ 10 માં ગ્રેસિંગ વિના 35 ટકા લાવ્યા હોય તેમને જ ડિપ્લોમામાં પ્રવેશ માટે લાયક ગણ્યા હતા. સરકારના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓનું એડમિશન અટવાયુ હતું. આ નિયમમાં સુધારો ન કરવામાં આવે તો અનેક બેઠકો ખાલી પડે અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થાય તેમ હતી. રાજ્ય સરકાર પોતાના નિયમમાં ફેરફાર કરે તેવી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોએ માંગ કરી હતી. ગુજરાતભરમાંથી વિરોધ ઉઠ્યો હતો. કારણ કે, કોલેજમાં અનેક બેઠકો ખાલી પડી હતી.

તેમાં પણ આ વર્ષે કોલેજ સંચાલકોની સ્થિતિ વિકટ બની હતી. એક તરફ માસ પ્રમોશનના કારણે વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાને કારણે સ્કૂલોમાં જગ્યા ભરાઈ છે, ત્યારે ડિપ્લોમામાં દર વર્ષે 50 ટકા જગ્યાઓ ભરાય છે ત્યારે બાકીની જગ્યાઓ ભરાય તે માટે ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવો જોઈએ તેવુ તેમનુ કહેવુ હતું.   

ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોની માંગ જોતા સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. નવા વર્ષે મળેલી આ ભેટથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ સુધરશે. 

(3:34 pm IST)