Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ઝાલાવાડ પંથકમાં રઝવાડા ના સમયથી ચાલતી ગોવાળ પાછળ ગાય દોડાવાની પરંપરા આજે પણ જળવાય રહી છે.

સુરેન્દ્રનગરના પાટડી અને ધામી ગામની સૌથી જૂની પ્રથા હોવાની લોકવાયકા છે.

ઝાલાવાડ પથંકમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામનાં ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાય છે. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરવામાં આવે છે.

ઝાલાવાડ પથંકના રણકાંઠાના પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની રાજા રજવાડાના પ્રાચિન સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ આજે ડિજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ આજેય જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે. ગોવાળો સાથે ગાયો દોડાવવી એ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે.ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે.ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે.

આ અંગે ધામા ગામના રાજેન્દ્રભાઇ મહેતા, નરસંગભાઈ અને અજાભાઈ સહિતના આગેવાનો જણાવે છે કે, સવારે 10 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ગામેરુ કહેવામાં આવે છે. જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. ત્યાર બાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરામાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. ગામના વડિલોના જણાવ્યા અનુસાર એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો, મળવાનો સિલસિલો શરુ થાય છે જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.

પાટડી ગામનાં ભાગોળે ગોવાળ સાથે અનોખી ગાય દોડ સ્પર્ધા યોજાયા બાદ રામજી મંદિરમાં આરતી કરીનેં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય છે.જેમાં માલધારી સમાજ એકબીજાને રામરામ કરી આખા વર્ષનાં લેખાજોખાનો હિસાબ કરી સમાજમાં વ્યસનની બદી દૂર થાય અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એની ચર્ચાવિચારણા કરાય છે.

અગાઉ આ અનોખી ગાય-દોડ સ્પર્ધામાં પુરઝડપે દોડતી ગાયો આગળ દોડતો ગોવાળ પડી જતા ગાયોનું આખુ ધણ એ નીચે પડેલા ગોવાળ ઉપરથી પસાર થઇ જવા છતા અતૂટ શ્રધ્ધાને લીધે એ ગોવાળને ઊની આંચ સુધ્ધા આવતી નથી.આ અંગે પાટડી માલધારી સમાજના આગેવાન સાગરભાઇ રબારી અને લક્ષ્‍મણભાઇ ખટાણા જણાવે છે કે ગોવાળ સાથે ગાયોની દોડ સ્પર્ધા બાદ એ દોડતી ગાયોના પગના નિશાનની રજને માલધારી સમાજની મહિલાઓ માથે ચઢાવી ધન્યતા અનુભવે છે.

(11:35 pm IST)