Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જામનગરના ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલ એડવોકેટ વસંતભાઇ માનસાતાની રીમાન્ડ પુરી થતાં જેલહવાલે કરાયા

જેલહવાલે થતાં વસંતભાઇ અને જીમ્મી આડતીયા, પ્રફુલ પોપટની જામીન અરજીઃ સોમવારે સુનાવણી

રાજકોટ તા. ૬: જામનગરના બહુચર્ચિત ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલ એડવોકેટ વસંતભાઇ માનસાતાની રીમાન્ડ પુરી થતાં આજે તેઓની સ્પે. કોર્ટમાં રજૂ કરાતા અદાલતે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

એડવોકેટ માનસાતાને ખાસ અદાલતે જેલહવાલે કરતાં તેઓએ તેમજ અન્ય બે આરોપીઓ જીગર આડતીયા અને પ્રફુલ પોપટે જામીન પર છુટવા કોર્ટમાં અરજી કરી છે.

આ અરજીની રાજકોટની સ્પે. ગુજસીકોર્ટના જજ શ્રી સમક્ષ સોમવારે ત્રણેયની જામીન અરજીની સુનાવણી થશે.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનાર જામનગરના બિલ્ડરો, વેપારીઓની કરોડોની કિંમતની જમીન મુખ્ય સુત્રધાર જયેશ પટેલ અને તેની ગેંગના સભ્યો દ્વારા ધાક-ધમકીઓ આપી જમીનો પચાવી પાડયાના બનાવો બહાર આવ્યા હતા.

આ બનાવ અંગે જામનગર પોલીસમાં થયેલ ફરિયાદો પૈકીની ચાર ફરિયાદોમાં હાલના એડવોકેટ વસંતરાય માનસાતા વિરૂધ્ધ ચાર ગુનાઓ નોંધાયા હતાં.

આ બનાવમાં કુલ ૧૪ આરોપીના નામો ખુલ્યા છે. ૧૧ ની ધરપકડ થઇ ચુકી છે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ ફરાર છે તેમના સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે. આ ગુનામાં પકડાયેલા એડવોકેટ વસંતરાય માનસાતાની રીમાન્ડ આજે પુરી થતાં પોલીસે સ્પે. કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે આજે તેઓને જેલહવાલે કર્યા હતા.

આ ગુનામાં એડવોકેટ માનસાતા, જીમ્મી આડતીયા અને પ્રફુલ પોપટે આજે જામીન પર છુટવા અરજી કરી હતી.

સ્પે. કોર્ટે આ જામીન અરજીની સુનાવણી સોમવાર ઉપર મુલત્વી રાખેલ છે. સરકારપક્ષે સ્પે. પી.પી. શ્રી સંજયભાઇ વોરા રોકાયા હતાં.

(2:48 pm IST)