Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દાત્રાણા ગોપીનાથ મહાદેવ મંદિર સમિતિ અને રાધેકૃષ્ણ ગોપી મંડળ દ્વારા વિકલાંગ બાળકો સાથે રામધુન ઉત્સવ ઉજવવામાં આવ્યો

મેંદરડા તાલુકાના સમઢીયાળા સ્થિત શ્રીજી એજયુ. ટ્રસ્ટ વિકલાંગ બાળકોની સંસ્થામાં બાળકો સાથે રામધુન કરી ભોજન કરાવવામાં આવ્યું

મેંદરડા તા. ૬: ગાંધીજીના મોસાળ પક્ષ એવા દાત્રાણા ગામે ગ્રામજનો દ્વારા અનેક સામાજીક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગોપીનાથ મહાદેવ મંદિર સમિતિ અને રાધેકૃષ્ણ ગોપી મંડળના સંયુકત ઉપક્રમે વિકલાંગ સંસ્થામાં દર મહિનાની પહેલી તારીખે સત્સંગ અને જમણવાર કરવાનો સંકલ્પ લેવાયો હતો.

દાત્રાણા ગોપીનાથ મહાદેવ મંદિર સમિતિ અને રાધેકૃષ્ણ ગોપી મંડળ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે લેવાયેલા સંકલ્પ મુજબ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામ સ્થિત શ્રીજી એજયુ. ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર વિકલાંગોની સંસ્થા ખાતે બાળકોને ભોજન અને રામધુન ભકિત દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિકલાંગ બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયું હતું. આ પ્રસંગે સેવાભાવી હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, ભોલેનાથ અને કૃષ્ણ ભગવાનની કૃપાથી અમારા મનમાં આ વિચાર આવ્યો અને સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે જ આ વિચારનો અમલ કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ વિચારને સાર્થક કરવા થોડો પ્રયત્ન કરવો પડયો હતો. પરંતુ આજે અહિં આ સેવાનું કાર્ય કરીને ખરેખર આનંદ થાય છે. આ તકે હરસુખભાઇ વઘાસીયા, પરસોત્તમભાઇ વઘાસીયા, રામજીભાઇ વઘાસીયા, બાવનજીભાઇ વઘાસીયા, મોણપરા સાહેબ, મનુભાઇ પટોળીયા, બાલુભાઇ વઘાસીયા, મંજુબેન વઘાસીયા, મંજુબેન બરવાડીયા, જીવીબેન વઘાસીયા, વિનુબેન પાઘડાર, લાભુબેન બોખર વગેરે ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે હરસુખભાઇ વઘાસીયાએ શ્રીજી ચેરી ટ્રસ્ટના સંચાલક કૌશીકભાઇ જોષીનો આભાર માન્યો હતો. (૭.૧૮)

(11:58 am IST)