Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આજે છેલ્લુ શ્રાધ્ધ : કાલથી નવલા નોરતાનો પ્રારંભ

સર્વ પિતૃઓને શ્રાધ્ધ અર્પણ કરતા ભાવિકો : કાલથી માતાજીના અનુષ્ઠાન સાથે પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલશે

પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી માતાજીના સાનિધ્યમાં ગરબાની પ્રેકટીસ કરતી બાળાઓ તથા બીજી તસ્વીરમાં માતા-પુત્રી ગરબાને આખરી ઓપ આપતા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ,તા. ૬ : આજે છેલ્લા શ્રાધ્ધ પક્ષ પૂર્ણ થશે અને કાલે તા.૭ને ગુરૂવારથી નવલા નોરતાનો પ્રારંભ થશે.

આજે ભાવિકો દ્વારા સર્વ પિતૃઓને શ્રાધ્ધ અર્પણ કરવામાં આવ્યું છે.

કાલે નવરાત્રીનો પ્રારંભ થશે. ભાવિકો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવશે. અને પ્રાચીન ગરબીઓમાં રાસ-ગરબાની રમઝટ બોલશે.

કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રી ઉજવવામાં આવશે. આ વખતે અર્વાચીન રાસોત્સવના આયોજનો રદ કરાયા છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ :  સીનીયર સીટીઝન્સ મંડળ જૂનાગઢના સભ્યો માટે તા. ૧૬ ના રાત્રે ૮:૩૦ વાગ્યે વાઘેશ્વરી માતાજી મંદિર ભવનાથ રોડ-જૂનાગઢ ખાતે બેઠા ગરબા સ્પર્ધા રાખવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ચારથી પાંચ સભ્યોનું એક ગ્રુપ એવા ૧૨ ગ્રુપ ભાગ લેશે. સ્પર્ધાની એન્ટ્રી ફી રૂ. ૨૫૦ દરેક ભાગ લેનાર ગ્રુપે ભરવાની રહેશે. નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય વિજેતા જાહેર થનાર ગ્રુપને મંડળ તરથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.

મંડળના નોંધાયેલ સભ્યો જેણે વર્ષ ૨૦૨૧-૨૨નું મીટીંગ અનુદાન ભરેલ હોય અને સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે મંડળના મધ્યસ્થ કાર્યાલય પર એન્ટ્રી ફ્રી સાથે ભાગ લેનાર ગ્રુપના સભ્યોની યાદીની નોંધણી કરાવવા તેમ જ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમોની જાણકારી મેળવી લેવા સુચના છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં નવરાત્રી નજીક હોવાથી નવરાત્રી પૂર્વે બજારોમાં અવનવી ડીઝાઇનોમાં કલાત્મક ગરબાઓ વેચાતા જોવા મળી રહ્યા છે. જેમાં સાદા ગરબા ૩૦ રૂપિયા, જ્યારે કલાત્મક ડીઝાઇન વાળા ગરબાઓ ૭૦-૮૦-૧૦૦ રૂપિયા સુધીમાં વેચાઇ રહ્યા છે. જ્યારે બજારોમાં લાકડાનાં ડાંડીયાઓ અને તેમના સ્ટીલના ડાંડીયાઓ વેચાતા જોવા મળી રહ્યા છે. જેમાં યંગ જનરેશનમાં સ્ટીલનાં ડાંડીયાઓનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોસાયટી મહોલ્લાઓમાં સુશોભનો માટે ધજા પતાકાઓ પણ લોકો ખરીદી રહ્યાનું બજારોમાં જોવા મળી રહ્યું છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૪: ગોહિલવાડના પ્રસિદ્ઘ શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોકત રીતે ઉજવણી કોરોના ગાઈડ લાઇન અનુસાર કરવામાં આવશે. નવરાત્રી ઉત્સવનો પ્રારંભ તા.૭ ને ગુરુવારથી થશે. આ પ્રસંગે સવારે ૧૧ કલાકે નિજ મંદિરેથી વાજતે ગાજતે માતાજીની આંગી માણેક ચોકમાં પધરાવામાં આવશે.

શ્રી બહુચરાજી મંદિર ભંડારિયા એ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ઘ સ્થળ છે. અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેક ચોકમાં આવેલ શકિત થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્યાદી કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવેલ છે. આસો સુદ આઠમના રોજ અષ્ટમીનો હવન રાખવામાં આવેલ છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો સાથે સાયં આરતી દરરોજ સાંજના ભવ્ય રીતે થશે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી ઉત્સવનું પરંપરાગત આયોજન થયું છે જેમાં મંદિરે આવનાર દરેક દર્શનાર્થીએ ફરજીયાત માસ્ક પહેરવુ. તદુપરાંત કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજીયાત રહેશે. સરકારની કોઈ નવી સૂચના કે નિયમ આવશે તો કાર્યક્રમમાં ફેરફારનો અવકાશ રહેશે.

ભંડારિયામાં આ ઉપરાંત શ્રી પ્રગટનાથ બહુચરાજી મંદિર, શ્રી મેલડી માતાજી મંદિર અને શ્રી સોંડાય માતાજી મંદિર દ્વારા પણ નવરાત્રિ ઉત્સવ ઉજવણીનું આયોજન પરંપરાગત રીતે કરાયું છે. અને ગામની મુખ્ય બજાર તથા ચોકમાં રોશનીનો જગમગાટ કરવામાં આવશે.

ચોટીલા પદયાત્રા

ભાવનગર જિલ્લાના તળાજા શહેર,તાલુકાના ગોરખી,સરતાનપર (બંદર) ગામે થીમાં ચામુંડાના હજારો ભકતો પ્રથમ નવરાત્રિની પોરોઢની પ્રથમ આરતીના દર્શન કરી શકે તેવા આયોજન સાથે લગભગ છેલ્લા પચાસેક વર્ષથી પદયાત્રીઓ ચોટીલા જવા રવાના થાય છે.

ચાલીને પહોંચતા છ થી સાત દિવસનો સમય લાગે છે.આ વખતે તળાજા સ્થિત ઉગતા પોર ના મેલડી માતા ગ્રુપ,લીલાપીર બાપુ -માં ચામુંડા ગ્રુપ,ગોરખી અને સરતાનપર (બંદર) ગામેથી અલગ અલગ સંદ્ય મળી આશરે એકાદ હજાર પદયાત્રીઓ વાજતે ગાજતે રવાના થયા છે.

લીલાપીરબાપુ ની જગ્યામાં પરંપરાગત રીતે ગતરાત્રે એ.બી મેર,ધર્મેન્દ્રસિંહ ગોહિલ(ત્રાપજ સરપંચ),તાલધ્વજ ગ્રુપ દ્વારા પડયાત્રીઓને મીઠાઈ સાથે ભોજનપ્રસાદ પીરસવામાં આવેલહતું.રમેશભાઈ ગેરેજ વાળા,મેઘાભાઈ ભરવાડ દ્વારા ગ્રુપ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

સવાર,બપોર,રાત્રીના નાસ્તા અને ભોજન ના દાતાઓ દ્વારા પડયાત્રીઓ ને ભોજન પીરસી દાતાઓ ધન્યતા અનુભવે છે. છ દિવસ ની પદયાત્રા દરમિયાન રસ્તમાં માતાજીના દુહા,છંદ,ગરબા ની રમઝટ ડાકલા,ડીજે ના તાલે રાસ રમતાની સાથે ચોટીલા પહોંચશે.જયાં બાવન ગજ ની ધ્વજ જે અહીથીજ સાથે લઈ જવામાં આવી છે તે માતાજીના ચરણમાં ધરી લહેરાવવામાં આવશે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણમાં આ વર્ષે કોરોના ગાઇડલાઇન મુજબ શેરી ગરબાની છૂટ આપવતા માઇ ભકતોમાં હરખની હેલી ઉમટી છે કાલે ગુરૂવારથી હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે જસદણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગરબી મંડળના આયોજકોએ તાડમાર તૈયારીઓ આરંભી છે. હાલ જસદણ શહેરમાં એક પણ કોરોનાનો કેસ ન હોવાથી આયોજકોનો ઉમંટ બેવડાયો છે. ગુરૂવારથી જસદણના દરેક એરિયામાં માં શકિતની અરાધના થશે નવરાત્રિને લઇ કેટલાક ગરબી આયોજકોએ મંડપ અને નયનરમ્ય રોશની પણ ખડી કરી દીધી છે. દરમિયાન જસદણના પ્રથમ નાગરિક નગરપાલીકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા અને જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડએ આવનારા મહાન ધાર્મિક અવસર નવરાત્રિની શુભેચ્છા જસદણના દરેક નાગરિકોને પાઠવી છે.

(3:11 pm IST)