Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવાગામ (બામણબોર)માં વશરામની વાડીમાં ગાંજાનું વાવેતર?: પોલીસે ૨૮૦ શંકાસ્પદ છોડવા કબ્જે કર્યા

એરપોર્ટ પોલીસે છોડવાના નમુના ગાંધીનગર એફએસએલમાં પરિક્ષણ માટે મોકલ્યાઃ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી

રાજકોટ તા. ૬: કુવાડવાથી આગળ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાગામ (બામણબોર)માં વડવાળી વીડ તરીકે ઓળખાતી જગ્યામાં ખેતર ધરાવતાં નવાગામ બામણબોરના વશરામ રણછોડભાઇ બાવળીયા (કોળી)ના ખેતરમાં ગાંજાનું વાવેતર કરાયું છે તેવી બાતમી પરથી એરપોર્ટ પોલીસે દરોડો પાડતાં મરચીના ઉભા પાક વચ્ચે ગાંજા જેવા જણાતા ૨૮૦ છોડવા ઉભા હોઇ એફએસએલ અધિકારીની હાજરમાં આ છોડવા શંકાસ્પદ ગણી કબ્જે કરી પૃથ્થકરણ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂત સામે કાર્યવાહી કરવામાં આવશે.

એરપોર્ટ પોલીસ મથકના કોન્સ. રમણીકભાઇને મળેલી ચોક્કસ બાતમીને આધારે નવાગામ બામણબોરમાં વશરામ બાવળીયાના ખેતરમાં પોલીસ પહોંચી હતી. જ્યાં આશરે એકાદ વિઘામાં મરચીના પાક વચ્ચે લીલા રંગના શંકાસ્પદ છોડવા પણ ઉભા હોઇ એફએસએલ અધિકારી શિતલબેન ઉપાધ્યાયને બોલાવી તપાસ કરાવી હતી. આ શંકાસ્પદ છોડવા ગાંજાના હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું હતું. પરંતુ તે ગાંજો જ છે કે કેમ? તે સ્પષ્ટ કરવા નમુના લઇ એફએસએલમાં પરિક્ષણ માટે મોકલ્યા છે.

પોલીસે મરચીના પાક વચ્ચેથી કુલ ૨.૧૯૦ કિલોગ્રામ વજનના ૨૮૦ શંકાસ્પદ છોડવા કબ્જે કર્યા છે. વાડી માલિક વશરામે રટણ કર્યુ હતું કે ત્રણેક મહિનાથી તેણે આ છોડવા ઉગાડ્યા છે. તેના સગાને બંધાણ હોઇ તેના માટે છોડવા રોપ્યા હોવાનું પણ રટણ કર્યુ હતું. જો કે તેની વાતમાં ખરેખર કેટલુ તથ્ય છે? તે અંગે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી ઉત્તર એસ.આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્સ. વી. કે. સોલંકી, કે. એમ. વાંઝા, કોન્સ. રમણિકભાઇ, પ્રવિણભાઇ ગઢવી, યશપાલસિંહ, દિવ્યરાજસિંહ, મહાવીરસિંહ અને યુવરાજસિંહ જાડેજા નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:45 am IST)