Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભાણવડ પાલીકામાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં આવેલા ૩ ઉમેદવારો વિજેતા

અમે શહેરનો વિકાસ કરીશુ, રપ વર્ષથી ભાજપે ભ્રષ્ટાચાર સિવાઇ કંઇ કર્યુ જ નથીઃ વિક્રમભાઇ માડમના પ્રહારો

(ડી.કે.પરમાર દ્વારા) ભાણવડ, તા., ૬: ભાણવડ પાલીકાની મધ્યસત્ર ચુંટણી જયારથી જાહેર થઇ ત્યારથી ત્રણેય રાજકીય પક્ષોના આગેવાનોએ ભાણવડમાં છેલ્લા ૧૫ દિવસથી ધામા નાખેલા હતા. પરંતુ ભાજપના આગેવાનો પબ્લીકને મનાવવામાં અસફળ રહયા હતા અને કોંગ્રેસે સાબીત કરી બતાવ્યું કે આ વખતે પબલીક અમારી સાથે છે. ભાજપની હારનું કારણ એક માત્ર એ જ હતુ કે છેલ્લા રપ વર્ષથી સતામાં હોવા છતા ભાણવડનો વિકાસ થયો નહતો. તેમના શાસન દરમ્યાન ભ્રષ્ટાચાર સહીતની અનેક સમસ્યાઓ હતી. આ વખતે ભાણવડની પ્રજાએ પ્રથમ વખત કોંગ્રેસને મોકો આપ્યો છે.

આખા ભાણવડની ચુંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલ વોર્ડ નં. ૬ માં કોંગ્રેસ ૩, ભાજપ ૧ બેઠક મળી હતી. આ વોર્ડ વર્ષોથી ભાજપનો ગઢ ગણવામાં આવતો હતો. પરંતુ આ વોર્ડમાં કોંગ્રેસના ભરતભાઇ વારોતરીયા ચુંટણી પહેલા જ વિજેતા થશે એવો માહોલ જામેલો હતો.ગત ચુંટણીમાં ભાજપસાથે છેડો ફાડી કોંગ્રેસમાં આવેલા ૮ ઉમેદવારો પૈકી ૩ ઉમેદવારને ટીકીટ આપવામાં આવી હતી અને ત્રણેય ઉમેદવારો વિજેતા થયેલા હતા.

વિક્રમભાઇ માડમ

આ તકે ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવેલ કે પાલીકામાં ભાજપનો ભ્રષ્ટાચાર  રોડ રસ્તા ગટર સફાઇ સહીતની સમસ્યાઓને લીધે ભાજપની હાર થઇ છે. પબ્લીકે અમને મોકો આપ્યો છે. સુંદર આયોજન કરી ભાણવડનો વિકાસ કરશું છેલ્લા રપ વર્ષથી ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કર્યુ જ નથી.

કે.ડી.કરમુર

સમગ્ર જીલ્લામાં જેમના નામની ચર્ચા ચાલી રહી છે. જેમના કામ બોલે છે એવા મોટા કાલાવડ જીલ્લા પંચાયત સદસ્ય  કે.ડી.કરમુરને આખી ચુંટણીની જવાબદારી સોંપવામાં આવેલ હતી અને ગત તાલુકા તેમજ જીલ્લા પંચાયતની ચુંટણી વખતે કે.ડી.કરમુરે સાબીત કરી બતાવ્યું હતુ અને કોંગ્રેસને બહુમતી અપાવી હતી અને આ ચુંટણીની પણ જવાબદારી કે.ડી.કરમુરને સોંપવામાં આવી હતી ત્યારથી જ કોંગ્રેસની જીત નિશ્ચિત થઇ ગઇ હતી. સૌથી વધુ મત કોંગ્રેસના ઉમેદવાર ઉમરભાઇ સમાને ૯૭૦ મત મળ્યા હતા. બીજા નંબર પર પણ કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ વારોતરીયાને ૯૪૩ મત મળ્યા હતા.

(11:41 am IST)