Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જસદણ પાલિકાના મહિલા સફાઇ કામદારોનું પ્રતિક ઉપવાસ આંદોલન બીજા ચરણમાં

ઘરદીઠ એક વ્યકિતને કાયમી કરવાની માંગ સાથે મહિલાઓએ આંદોલનને વેગ આપ્યો

(નરેશ ચોહલીયા દ્વારા)જસદણ,તા. ૬: જસદણ નગરપાલિકા ખાતે તાજેતરમાં ૪૮ સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી હતી. જોકે આ ભરતી પ્રક્રિયામાં જસદણ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરતી ૨૫ જેટલી મહિલાઓને કાયમી ન કરાતા તમામ મહિલાઓ રોષે ભરાઈ હતી અને ત્રણ દિવસ પહેલા નગરપાલિકા કચેરી ખાતે વિવિધ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. જોકે આ ૨૫ સફાઈ કામદાર મહિલાઓ પૈકી મોટાભાગની મહિલાઓ છેલ્લા ૪૦ વર્ષથી સફાઈ કામદાર તરીકે જસદણ નગરપાલિકામાં કામગીરી કરી રહી હતી. છતાં જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અન્ય શહેરોના અરજદારો સાથે સાંઠગાંઠ કરી કાયમી કરવાનો હુકમ કર્યો હોવાના મહિલાઓએ આક્ષેપો કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

ત્યારે ગત સોમવારે રોષે ભરાયેલ જસદણ નગરપાલિકાની ૨૫ સફાઈ કામદાર મહિલાઓ પૈકીની માત્ર ૧૦ જેટલી મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે પ્રતિક ઉપવાસ આંદોલનના બીજા દિવસે પણ સફાઈ કામદારોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે આ તકે રોષે ભરાયેલ ઉપસ્થિત સફાઈ કામદાર મહિલાઓએ જયાં સુધી અમને કાયમી નહિ કરવામાં આવે અને ઘરદીઠ એક વ્યકિતને કાયમી રાખવામાં નહી આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી અળગા રહેવાની અને પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

(11:38 am IST)