Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વિંછીયાની સરકારી હોસ્પિટલમાં એક મહિનાથી ખીલખીલાટ એમ્બ્યુલન્સ જ નથીઃ પ્રસુતા મહિલા અને નવજાત શિશુને ઘરે પહોંચવામાં પડતી મુશ્કેલીઓ

હાલ જસદણ, ચોટીલા અને ગઢડાથી એમ્બ્યુલન્સ મંગાવતા હોવાથી પ્રસુતા મહિલાઓને કાંતો કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા ખાનગી વાહનોમાં જવું પડે છે

(નરેશ ચોહલીયા દ્વારા)જસદણ,તા. ૬:  વિંછીયા તાલુકાના ૪૬ ગામની સગર્ભા મહિલાઓ પ્રસુતિ માટે વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રસુતિ કરાવવા માટે છે. પરંતુ વિંછીયાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પ્રસુતા અને નવજાત શિશુને દ્યરે સલામત રીતે પહોંચવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગંભીર બાબત એ છે કે વિંછીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવનારી મહિલાઓને પ્રસુતિ કરાવ્યા બાદ રજા તો આપી દેવામાં આવે છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા બંધ હોવાથી નવજાત શિશુ અને તેની માતાને અન્ય ખાનગી વાહનોનો અથવા ચોટીલા, જસદણ અને ગઢડા તાલુકાની ખીલખીલાટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે. જો આ મહિલાઓને અન્ય તાલુકાની ખીલખીલાટ એમ્બ્યુલન્સનો સહારો લેવો હોય તો કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. વિંછીયાની સરકારી હોસ્પિટલમાં કરાર આધારિત ખીલખીલાટ એમ્બ્યુલન્સ ચાલતી હતી. પરંતુ એક મહિના પૂર્વે અચાનક બંધ કરી દેવાઈ હોવાથી પ્રસુતાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિંછીયાની સરકારી હોસ્પિટલમાં એક મહિનામાં ૮૦ જેટલી મહિલાઓની પ્રસુતિ કરવામાં આવે છે. જોકે પ્રસુતા મહિલાઓને હોસ્પીટલે આવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા તો મળે છે. પરંતુ પ્રસુતિ થયા બાદ ઘરે જવા માટે મોટાભાગે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. વિંછીયાની સરકારી હોસ્પિટલમાં વિંછીયા તાલુકા સિવાયની ચોટીલા, જસદણ અને ગઢડા તાલુકાની મહિલાઓ પણ પ્રસુતિ કરાવવા માટે આવે છે. ત્યારે વિંછીયા વિસ્તારની પ્રસુતા મહિલાઓને હવે ફરી કયારે ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા મળતી થશે તે મોટો સવાલ બની ગયો છે.

ગત તા.૧-૯-૨૦૨૧ થી ખીલખીલાટ એમ્બ્યુલન્સની સુવિધા બંધ છે. આ હોસ્પિટલમાં એક મહિનામાં ૮૦ જેટલી ડીલેવરી થાય છે. મોટાભાગે અત્યારે જસદણ, ચોટીલા અને ગઢડાથી એમ્બ્યુલન્સ મંગાવી લઈએ છીએ. પરંતુ અહિયાં તે એમ્બ્યુલન્સ પહોંચે તો ખુબ મોડું થાય છે. જેના કારણે પેશન્ટને વધારે તકલીફો પડી રહી છે. આ અંગે અમે ઉપર રજૂઆત કરી છે. પણ જેમ બને તેમ જલદી સુવિધા મળતી થાય તો પેશન્ટને ઓછી તકલીફો પડી શકે છે.

(11:37 am IST)