Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ખંભાળિયામાં ફાયર એન.ઓ.સી.ના અભાવે સરકારી શાળાને સીલઃ તંત્રના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓ રઝળ્યાઃ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ : શહેરની મધ્યમાં આવેલી એક સરકારી શાળા પાસે ફાયર એન.ઓ.સી. ન હોવાથી ગઇકાલે મંગળવારે સવારે નગરપાલિકા તંત્ર દ્વારા આ શાળામાં સીલ મારી દેવામાં આવ્યું છે. જેના કારણે પ્રાથમીક વિભાગના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી.

શહેરની મધ્યમાં આવેલ અને અનેક નાના તથા ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપતી સરકારી તાલુકા શાળા નં. ૪માં ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગો કાર્યરત છે. કોવિડ પરિસ્થિતિમાં હાલ ધોરણ ૬ થી ૮ સુધીના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ફાયર એન.ઓ.સી.ના અભાવે આ શાળામાં ગઇકાલે સિલ મારી દેવામાં આવતા શૈક્ષણીક કાર્ય ખોરવાઇ ગયું હતું. પરંતુ અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ.વાઢેર દ્વારા આ મુદ્દે તાકીેદે લક્ષ્ય લઇ અને અન્ય શાળામાં આ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાની એક પણ શાળામાં ફાયર એન.ઓ.સી.સંદર્ભે નોટીસ આપવામાં આવી નથી અને સિલ અંગેની કામગીરી કરાતા હાલ અનેક વિદ્યાર્થીઓને હાલાકીની સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફાયર અંગેના નિયમોની કડક હાથે અમલવારી કરવામાં બાળકોનો શિક્ષણ અંગેના મુળભુત અધિકારથી વિદ્યાર્થીઓ વંચિત રહેતા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પાલિકા દ્વારા આ કામગીરી સંદર્ભે ઉપરોકત મુદ્દે અહીના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચીફ ઓફીસરને લેખિત પત્ર પાઠવી, કોઇપણ પ્રકારની લેખિત જાણ કે નોટીસ આપ્યા વગર કરવામાં આવેલી આ કામગીરીને મનસ્વી ગણાવી, આ પગલાંથી વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના મુળભુત અધિકારથી વંચિત રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

(11:35 am IST)