Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભાણવડ નગરપાલિકામાં પંજાનો ફરીથી કબ્‍જો

ભાજપ માજી મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખના ગઢમા ગાબડુ : ૬ વોર્ડમાં ૨૪ બેઠકો પર ચૂંટણી યોજાય હતી જેમાં ૧૬ કોંગ્રેસ, ૮ ભાજપ આપનું ખાતું ના ખુલ્‍યુ

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬: દ્વારકા જિલ્લામાં ઓખા અને ભાણવડ  મધ્‍યસ્‍થ ચૂંટણીના પરિણામના ભાગ રૂપે મતગણતરી યોજવામાં આવી હતી.
જેમાં દ્વારકા જિલ્લાના ભાણવડની નગરપાલિકાની મધ્‍યસ્‍થ ચૂંટણીના પડધા ગાંધીનગર સુધી પડ્‍યા હતા. થોડા સમય પહેલા જ ભાજપની આંતરિક આગᅠ ઠારવામાં સ્‍થાનિક નેતાઓ નિષ્‍ફળ રહ્યા હતા. જેના ભાગરૂપે ભાજપના સભ્‍યોએ બળવો કરી કોંગ્રેસને ટેકો આપીને કોંગ્રેસને સત્તા સોંપી હતી.
પરંતુᅠ રાજકીય કાવાદાવા બાદ ભાણવડ નગરપાલિકાને સુપરસીટ કરી નગરપાલિકાની સત્તા કબ્‍જે કરવા માટે ભાજપના માજી મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખᅠ રાજીબેન વીરાભાઇ મોરી સહિતના સ્‍થાનિક નેતાઓ એડીપેચીનો જોર અને તમામ તાકાત કામ લગાડી હતી.
છતાં પણ આજરોજ પરિણામના દિવસે ભાજપના તમામ નેતાઓને ભાજપની સ્‍થાનિક ચૂંટણીમાં સ્‍પષ્ટ બહુમતી ન મળતા નિરાશાનો સામનો કરવો પડ્‍યો હતો. અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટો અપસેટ સર્જાયો હતો. આમ સામા પક્ષે કોંગ્રેસે મેદાન મારી જતા ભારે હડકંપ મચી જવા પામ્‍યો હતો. આમ ભાણવડ નગરપાલિકાની ચૂંટણીએᅠ ભાજપના નેતાઓના તમામ પ્રયાસો ઉપર સ્‍થાનિક પ્રજાએ જાકારો આપી પરિણામ દેખાડતા ભાજપના નેતાઓ માટે આ પરિણામ અનેક નવાજુનીના એંધાણ આપે તો નવાઈ નહિ.

 

(10:31 am IST)