Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઉનાઃ ખેતરે જતા ખેડૂતોને હેરાન કરનાર માથાભારે શખ્‍સ સામે પોલીસ પગલા લેશે?

ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને ચોટદાર રજૂઆતઃ અગાઉ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ :.. તાલુકાનાં ઉટવાળા ગામે ખેડૂત પરિવારને માથાભારે શખ્‍સ ખંડણી માંગી ખેતર જતી મહિલાઓની સાથે બેહુદુ વર્તન કરી બિભત્‍સ ભાષા બોલી હેરાન કરતો હોય પગલા લઇ ભયમુકત કરવા પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત કરી છે. અગાઉ પોલીસમાં રજૂઆત કરવા છતાં હજૂ પગલા લેવાયા નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.
ઉંટવાળા ગામે ખેડૂત પટેલ પરિવારના દેવશીભાઇ રામજીભાઇ નાડા, પરેશ પરષોતમભાઇ, રમેશ રામજીભાઇ, જીણાભાઇ ભાયાભાઇ, ધીરૂભાઇ ભાયાભાઇ, રતિભાઇ ભાયાભાઇ, નવનીતભાઇ ભાયાભાઇ, વિશાલ રતિભાઇ સહિત મહિલાઓ મળી ૧૩ થી વધુ લોકો ઉના પ્રાંત કચેરી આવી. પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત આપેલ કે ઉંટવાળા ગામનો માથા ભારે શખ્‍સ છેલ્લા ઘણા સમયથી આ લોકો સીમમાં આવેલ ખેતરે કામે જતા હોય ત્‍યારે રોકી હેરાન - પરેશાન કરે છે. અને ખેતરે જવુ હોય તો ખંડણી આપવી પડશે. તથા મારી નાખવા ધમકી આપે છે. પરિવારની મહિલાઓ બપોરે ભાતલઇને (ટીફીન),ખેતરે જાય તો રસ્‍તામાં બિભત્‍સ ભાષામાં વાતો  કરી ગાળો કાઢી અશ્‍લીલ માંગણી કરી ખંડણી માંગણી કરે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.
આ માથા ભારે શખ્‍સ અગાઉ ભૂતકાળમાં ઘણા ગુના દાખલ થયેલ છે. હાલ ખેતરમાં પાક તૈયાર થઇ ગયો છે. ખેતરે જતા પરિવાર ભય અનુભવતો હોય વહેલી તકે પગલા લઇ ખંડણીખોરથી ભયમાંથી મુકત કરાવે તેવી માંગણી કરી છે.

 

(10:31 am IST)