Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભુજમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની દેશદાઝ દર્શાવતા નાટ્ય 'વતન મેં લી સાંસ'એ દર્શકોને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા

દસ વર્ષમાં ૨૨ લાખ પ્રવાસીઓએ માંડવીમાં સ્મારક તીર્થની મુલાકાત લીધી

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: કચ્છના પનોતાપુત્ર પં. શ્યામજી કૃષ્ણવર્માના રાષ્ટ્રપ્રેમનું પ્રતિક માંડવી ખાતેનું ઇન્ડિયા હાઉસ સ્મારક છે. વિદેશની ધરતી પર વતન પ્રેમની દાઝને લઇ દેશપ્રેમીઓની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૫મી જન્મજયંતિએ સાદર વંદન કરૂ છું એમ ગુજરાત વિધાનસભાના નવનિયુકત પ્રથમ મહિલા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે કહ્યું હતું.

પં.શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમિતે ભુજ ટાઉનહોલ ખાતે તેમના જીવનચરિત્ર પર આધારિત “વતન મે લી સાંસ” નાટક ભજવાયું હતું. કરસનદાસ પરસોત્તમદાસ ચાંદ્રા પરિવારના સૌજન્ય અને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલ ફાઉન્ડેશન તેમજ નગરસેવાસદન, ભુજ આયોજીત નાટકમાં અધ્યક્ષાશ્રીએ મનનીય સંબોધન કર્યુ હતું.

અધ્યકક્ષાશ્રીએ આ તકે પં. શ્યામજી કૃષ્ણવર્માના પિતા કિશનદાસ ભણસાણી પરિવારમાં જન્મ અને તેમના બાળપણ-શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ અંગે વિગતે રજૂઆત કરી જણાવ્યું હતુ કે જેમની રગેરગમાં રાષ્ટ્રપ્રેમ છલકાતો હતો એવા રાષ્ટ્રવાદી મહાપુરૂષશ્રી શ્યામજીની આઝાદ ભારતના રાષ્ટ્રવાદિ નાગરિક જોડે મારા અસ્થિ માંડવી લઇ જઇ પ્રસ્થાપિત કરાવજો આ ઇચ્છાને તેમના જેવા જ રાષ્ટ્ર પુરૂષશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કરી રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ જીનીવાથી પંડિતના અસ્થિકુંભ વિધિવત ખભે મૂકી સમગ્ર દેશમાં ભ્રમણ કરી રાષ્ટ્ર માટે આપેલા તેમના સમર્પણની પ્રતિતિ સૌને કરાવી હતી.

હાલે માંડવી મસ્કા ખાતે ૩૦૦ એકર જમીનમાં ઉભેલું. તેમનું સ્મારકતીર્થ ઇન્ડિયા હાઉસ આપણુ ગૌરવ બની જીવંત છે. આ તકે અધ્યક્ષાશ્રીએ ભૂકંપમાં ભાંગી ગયેલા કચ્છને ૮૭ વાર જાતે આવી વિશ્વના નકશામાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરાવનાર વડાપ્રધાનશ્રી સવાયા કચ્છીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વતનપ્રેમ અને કચ્છના વિકાસને વિગતે રજૂ કર્યા હતા.

શ્યામજી કષ્ણવર્મા મેમોરીયલ તીર્થના ટ્રસ્ટીશ્રી મંગલભાઇ ભાનુશાલીએ આ તકે જણાવ્યું હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પં.શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિકુંભની સાથે તેમની વકીલની સનદ પણ લઇ આવ્યા હતા. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના પ્રયત્નોથી મળેલ ૧૬ કરોડના વિકાસ અનુદાન અંગે તેમણે જણાવ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં ૨૨ લાખ પ્રવાસી સ્મારકની મુલાકત લઇ ચુકયા છે અને હજુ તે સંખ્યા વધી રહી છે આ માટે તેમણે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાનો આભાર માન્યો હતો. આ તકે તેમણે કોવીડ-૧૯ દરમ્યાન રૂ.૧.૫ કરોડની ૪૦૦ પરિવારને આપેલ અનાજકીટ માટે દાતા દામજીભાઇ જોઇસરનું પણ સન્માન કર્યુ હતું.

આ તકે ખાસ ઉપસ્થિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી અને પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયા, મહામંત્રીશ્રી ડો.જંયતસિંહ જાદવનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.

“ વતન મે લી સાંસ” નાટયના આ ખાસ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, પૂર્વ રાજયમંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, રેશ્માબેન ઝવેરી, અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, શંભુભાઇ ભાનુશાલી, અશોકભાઇ પટેલ, અનિલભાઇ છત્રાળા, હેમબેન સીઝુ, ગોવર્ધનભાઇ કવિ, રમેશભાઇ નંદા, કિશોરભાઇ ભદ્રા, દિપકભાઇ શ્રોફ તેમજ પંકજભાઇ ઝાલા અને તેમનો રંગકર્મી પરિવાર રાષ્ટ્ર અને નાટય પ્રેમી નગરજનો  સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(9:39 am IST)