Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

યુપીમાં ખેડૂતોના મોત મામલે મોરબીમાં કોંગ્રેસ દ્વારા ધરણા-વિરોધ પ્રદર્શન

પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું, હત્યારાને ફાંસીની સજા આપવા માંગ.

મોરબી : ઉત્તરપ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મોત થતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદન પાઠવીને હત્યારાઓને ફસી આપવાની માંગ કરવામાં આવી હતી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે યુપીમાં ખેડૂતોના મોત મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. પોલીસે માત્ર પાંચ વ્યક્તિને કલેકટર ઓફિસમાં જવા કહેતા બધા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ સાથે જવાની જીદ પકડી હતી જેથી પોલીસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ યુપીમાં થયેલા હિંસક બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ખેડૂતોને ન્યાય આપો તેમજ ખેડૂત વિરોધી કાળા કાયદા રદ કરો તેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.
યુપીના લખીમપુર ખીરી ખાતે ખેડૂતો વિરોધી કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરતા ખેડૂતો ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ કાર ચડાવીને હત્યા કરી નાખી હતી. આ બનાવમાં ખેડૂતોને ન્યાય આપવા હત્યારાને ફાંસીની સજા આપવા તેમજ ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

(9:41 pm IST)