Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વાગડ વિસ્તારમાં ખનિજ ચોરો બેફામ: રાપર નજીકથી ખનિજ ચોરી કરી ઓવરલોડ ભરેલા 7 વાહનો ઝડપાયા

મુદ્દામાલ અંગે રોયલ્ટી પાસ સહિતના આધાર પુરાવાનીનહિ હોવાથી ખાણ ખનિજ વિભાગ અને આરટીઓને જાણ કરી

રાપર : વાગડ વિસ્તારમાં ખનિજ ચોરો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર ખનિજ ચોરી કરીને ઓવરલોડ ભરી જવાતા વાહનો ઝડપવામાં આવે છે. ત્યારે પૂર્વ કચ્છ એસઓજીએ રાપર નજીકથી ખનિજ ચોરી કરીને ઓવરલોડ ભરાયેલા 7 વાહનો ઝડપી પાડ્યા હતા. બોર્ડર રેન્જ આઈજીપી જે . આર. મોથલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલની સુચનાથી પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પોલીસ ઈન્સ્પેક્ટર વી. પી. જાડેજા , પીએસઆઇ બી. જે. જોષી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાપર તાલુકામાંથી ખનિજ ચોરી કરીને ઓવરલોડ પરિવહન કરતા 7 વાહનો એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે એસઓજીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરીને રાપર નજીકથી ઓવરલોડ ભરાયેલા સાત વાહનો ડિટેઈન કર્યા હતા. જેમાં ભરાયેલ મુદ્દામાલ અંગે રોયલ્ટી પાસ સહિતના આધાર પુરાવાની માંગણી કરતા વાહન ચાલકો કોઈપણ આધારો રજૂ કરી શક્યા ન હતા. એસઓજી પોલીસે બનાવ અંગે પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ અને આરટીઓને જાણ કરી હતી. જેને કારણે ખનિજ ચોરો સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:35 pm IST)