Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કચ્‍છના ભચાઉ તાલુકાના આ વિસ્‍તારમાં મળી આવે છે સુમધુર સુર રેલાવતા પથ્‍થરો

ભૂજ: પાકિસ્તાનને અડીને આવેલા દુર્ગમ એવા કચ્છના ભચાઉ તાલુકાના ખડીરમાં ઘણી જગ્યાએ અજાયબી જેવા ડુંગરો આવેલા છે. એમાંના હળી ભંગ દાદાના વિસ્તારમાં એવા પથ્થર મળી આવ્યા છે, જે અજાયબી જેવા છે. આ પથ્થરોને જોતા જ તે લોખંડ ઘાતુ જેવા લાગે છે. લોખંડ જેવા પથ્થરોનો એક સમૂહ કે જે પથ્થરો લોખંડની જેમ વાગે છે અને આ જોઈને લોકો અચરજમાં પણ મૂકાઈ રહ્યા છે. પરંતુ તેના કરતા પણ વધુ અચરજની વાત એ છે કે, આ લોખંડ જેવા પથ્થરમાંથી સુમધુર સૂર રેલાય છે.

ભચાઉ તાલુકાનો આખરી વિસ્તાર અનેક પુરાતન અવશેષો સંઘરીને બેઠું છે. તેવામાં આ સંગીત પાથરતા આ પથ્થરો કંઈક વિશેષ અચરજ પમાડે છે. મેટ્રિકલ સિમેન્ટ જેવા તત્વની બનેલી આ પથ્થરની શીલા જ્યારે બની હશે, તે સમયે ખૂબ ઉર્જા અને ગરમી લાવામાંથી બની હશે. તેથી આ પથ્થરોમાંથી લોખંડ જેવો રણકાર થાય છે તેવું વિજ્ઞાનીઓનું કહેવું છે.

જો કોઈ સંગીતકાર આ પથ્થરોને તાલબદ્ધ રીતે વગાડે તો તેમાંથી સંગીત પણ બની શકે તેવા આ પથ્થરો છે. તેથી જ આ પથ્થરોને આપણે મ્યૂઝિકલ રોક્સ કે સંગીતમય પથ્થરો કહી શકીએ છીએ. જોકે, આ દુર્ગમ પહાડીઓમાં આવું રહસ્ય છુપાયેલું છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે.

(4:53 pm IST)