Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પૂણ્ય સ્મૃતિમાં ભૂજ - માંડવી હાઈવેના સ્મૃતિવનમાં પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી દ્વારા વૃક્ષારોપણ...

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર - મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પૂણ્ય સ્મૃતિમાં ભુજ - માંડવી રોડ પર નારાયણપર સીમમાં આવેલા સ્મૃતિ વનમાં આશરે ૧૩ એકર જમીનમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ (દરબાર ગઢ ચોક)ના મહંત સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા ભુજ તાલુકા સદસ્ય, નારણપર ગામના સરપંચ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

૧૩ એકરમાં ફેલાયેલા સ્મૃતિ વનમાં ૭,૮૦૦ વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેનો પશુ-પક્ષીઓને લાભ મળશે. 

આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ વૃક્ષારોપણ કરી તમામ સંતો અને હરિભક્તોને આ ભગીરથ કાર્યમાં જોડાઇ ને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવા જણાવ્યું હતું. નારાયણપરમાં તૈયાર કરાયેલા સ્મૃતિ વનમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ સંતો - ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી કોરોનામાં લોકોને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન કરવાનો પણ આદેશ આપ્યો હતો.

વળી, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં સુખપર ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ - વૃક્ષ - છોડ તથા તેની જાળવણી માટે પીંજરા ૧૦૦ ઉપરાંત અર્પણ કરવામાં આવ્યા હતાં.

 

(3:27 pm IST)