Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પત્નિને કોરોનાની અસર બાદ વ્યથીત થયેલઃ જીતુભાઇ તળાવીયા બે મહીનાથી શાંત થઇ ગયા હતા

અમરેલીના જાણીતા પર્યાવરણવિદના આપઘાતથી લાખો ચાહકો સ્તબ્ધ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૬: ગ્રીન એમ્બેસેડર અને ગુજરાતના પ્રથમ પંકિતના પર્યાવરણવિદ શ્રી જીતેન્દ્રભાઇ તાળવીયાએ કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેમનું અંતરંગ મિત્ર અને લાખો ચાહકો શુભેચ્છકો સ્તબ્ધ થઇ ગયા છે. તેમની ઓફીસે ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા.

ગઇ સવારે ૮વાગ્યે જીતુભાઇ તેમની ઓફીસે આવી જતા હતા ૧૦ વાગ્યે તેમનો પુત્ર તાપસ ઓફીસે આવતા તેમણે ઉપરના સંંગતના કાર્યાલયને અંદરથી બંધ જોયું હતું જેથી તેમણે જીતુભાઇને ફોન કર્યા હતા. પરંતુ ફોન ન લાગતા કશું અઘટીત હોવાની શંકાથી તેમણે આજુબાજુ વાળાને બોલાવતા દરવાજો તોડી જોતા સૌ ચોંકી ઉઠયા હતા. જીતુભાઇએ ગળાફાંસો ખાઇ લીધો હતો તેમને તાત્કાલીક હોસ્પીટલે ખસેડાયા હતા. પરંતુ તેમને મૃત જાહેર કરાયા હતા.

જે આખી દુનિયાને સમજાવવા માટે સક્ષમ હતા અને બીજાને હિંમત આપનાર હતા તથા જીવનથી નિરાશ લોકોને મોટીવેટ કરનાર શ્રી જીતુભાઇના આ પગલાથી ખળભળાટ મચી ગયો છે. અનેક લોકોને જીવનનો રાહ દેખાડનાર અને ભાજપના પાયાના પથ્થર તથા અમરેલી જિલ્લાના ઝાડવે  ઝાડવાના જાણકાર અને પ્રકૃતીના પરમ ઉપાસક જીતુભાઇ તળાવીયાની અણધારી વિદાયથી સન્નાટો છવાઇ ગયો છે. તેમના સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેમના શુભેચ્છકો વિવિધ આગેવાનો હોસ્પીટલ દોડી ગયા હતા અને તેમની સ્મશાન યાત્રામાં પુર્વ કૃષિમંત્રી બેચરભાઇ ભાદાણી, ડો.ભરતભાઇ કાનાબાર, પી.પી.સોજીત્રા, જીતુભાઇ ગોળવાળા, પત્રકારો, તબીબો વિવિધ ક્ષેત્રના આગેવાનો અને જીતુભાઇ તળાવીયાના અંતરંગ મિત્રો જોડાયા હતા. જીતુભાઇની આત્મહત્યાનું પ્રાથમીક કારણ એવું જણાવાઇ રહયું છે કે તેમના ધર્મપત્નીને કોરોાની અસર અને ત્યાર પછીની ગંભીર બિમારીની જાણ થયા પછી તે વ્યથીત રહેતા હતા. કાયમ લોકોની વચ્ચે રહેનારા અને પ્રકૃતિના ખળભળાટ વહેતા ઝરણા જેવા જીતુભાઇ અચાનક છેલ્લા બે મહીનાથી શાંત થઇ ગયા હતા જેની તેમના મિત્ર મંડળે નોંધ લીધી હતી પણ તેમના આ પગલાએ સમાજ ઉપર ઘેરા પ્રત્યાઘાતો પાડયા છે અને જીતુભાઇ આવુ પગલુ શા માટે ભરે તેવો સવાલ સૌ કોઇ કરી રહયા છે.

(12:55 pm IST)