Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જીવનમાં આવતી તકલીફો દૂર રાખવા કર્મમાં ધર્મ અપનાવી લોઃ પૂજ્ય ભાઇશ્રી

પોરબંદરના હરિમંદિરે અધિક પુરૂષોતમ માસ શ્રીમદ્ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬:આપણાં કર્મમાં ધર્મ પ્રગટ થવો જોઈએ, નહીંતર કર્મમાં તકલીફ પડે છે. વર્તમાન સમયમાં કોર્ટ- કચેરી, લડાઈ-ઝઘડા, કૌટુંબિક કલેશ-કલહ જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ વધી છે. તેનું એક કારણ એ પણ છે કે જીવનમાંથી ધર્મને અલગ કરી દેવામાં આવ્યો છે. વ્યવહારમાં બુદ્ઘિ આગળ રહે અને મન તેને અનુસરણ કરે અને તર્ક દ્વારા બુદ્ઘિનો ઉપયોગ કરીને નિર્ણય લેવો જોઈએ. જયારે અધ્યાત્મમાં મન એટલે કે સંવેદનાને આગળ કરીને બુદ્ઘિ તેનું અનુસરણ કરે તો કોઈ મુશ્કેલી રહે નહીં કેમ કે જયારે બુદ્ઘિ સંશયરહિત બને ત્યારે ભગવાન તેનો સ્વીકાર કરે છે , જાણીતા કથાકાર, પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સોમવારે અધિક-પુરુષોત્ત્।મ માસના ૧૮મા દિવસે શ્રીમદ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરે મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

 પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે શ્રીમદ્ ભાગવતના સંદર્ભમાં કહીએ તો વસુદેવ એટલે મન અને દેવકી એટલે બુદ્ઘિ. વિશુદ્ઘ મન અને બુદ્ઘિનું સંગતિકરણ થાય ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય.

તેમણે ઘણીવાર મનનું જોડાણ ન હોય તો કોઈ ગમે તેટલી રસપ્રદ વાત કરતો હોય તો પણ આપણે તેને સાંભળતા નથી. જાગૃત છતાં સુષુપ્તિનો અનુભવ કરીએ છીએ. જીવનમાં જાગૃત, નિદ્રા, સુષુપ્તિ - ત્રણેય અવસ્થામાં જે જીવ સાક્ષીભાવમાં જાણે નદીની જેમ વહી શકે છે તે સાંસારિક મુશ્કેલીઓમાંથી મુકત બની જાય છે.

પૂજય ભાઈએ જણાવ્યું કે માનવને સ્થૂળ , સૂક્ષ્મ અને કારણ એમ ત્રણ દેહ છે. તેવી જ રીતે ભગવાનની લીલાઓમાં પણ ત્રણ મુખ્ય સ્થાન છે. ગોકુળ એટલે સ્થૂળ કાર્યો. ત્યારબાદ મથુરામાં પણ રહ્યા તે સૂક્ષ્મરૂપમાં અને દ્વારકા એ ભગવાનનું કારણ શરીર છે. બાલ અવસ્થામાં નંદ અને યશોદાની નિશ્રામાં લીલાઓ કરી ત્યારબાદ મથુરામાં કંસનો સંહાર કર્યો અને દ્વારકામાં રહીને સમગ્ર જગતની ગતિવિધિઓ અને ભકતોના ક્ષેમકુશળનું ધ્યાન રાખ્યું. કથાના અંતે નંદોત્સવ ઉજવણી કરાય હતી.

નવરાત્રીની ઉજવણી અંગે સાજે મિટિંગ

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ ના સંસ્થાપક પમુખ તથા મહામંત્રીનો સૂચના થી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ ના તમામ સભ્યો ને જાણ કરવામાં આવે છે કે આગામી નવરાત્રીની ઉજવણીના અનુસંધાને મિટિંગ નું આયોજન કરેલ છે તમામ સભ્યો હોદ્દેદારો સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ માં રસ ધરાવતા હોય અને તેના નોંધાયેલા સભ્યો હોઈ તેને મિટિંગ તારીખ ૦૬ મંગળવાર, સાંજે ૭ કલાકે હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

(12:50 pm IST)