Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સરકારી હોસ્પિટલના શૌચાલયમાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી

સાયલાના રાજસોભાગ સંચાલિત : શૌચાલયની લાઇનો બ્લોક થઇ જતા આ ઘટના સામે આવી : હોસ્પિટલના સ્ટાફે બાળકીને પીએમ માટે મોકલી પોલીસને જાણ કરવા છતા સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ન્હોતી

(ફઝલ ચૌહાણ) વઢવાણ,તા. ૬:સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકો મળી આવવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા ખાતે આવેલ રાજસોભાગ સંચાલિત સરકારી હોસ્પીટલના શૌચાલયના મરઘામાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સાયલા ખાતે આવેલ રાજસોભાગ સંચાલિત સરકારી હોસ્પીટલમાં સાયલા સહિત આસપાસના અનેક ગામોના દર્દીઓ સારવાર અર્થે આવે છે ત્યારે સરકારી હોસ્પીટલના શૌચાલયમાં લાઈન બ્લોક થઈ જતાં સફાઈ કામગીરી હાથધરવામાં આવી હતી જે દરમ્યાન શૌચાલયના પોખરામાંથી અંદાજે પાંચ મહિનાનું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું.

આ બાળક ફસાઈ જતાં શૌચાલયની લાઈનો બ્લોક થઈ ગઈ હતી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યાં બાદ હોસ્પીટલના સ્ટાફે મૃત બાળકને પીએમ રૂમમાં રાખ્યું હતું. પરંતુ મૃત બાળક બે દિવસ સુધી પીએમ રૂમમાં પડયું હોવા છતાં અને સાયલા પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે સરકારી હોસ્પીટલ ખાતે મુલાકાત પણ લીધી નહોતી અને આથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભાં થયાં હતાં.

બે દિવસ બાદ પીએમ રૂમમાં વાસ આવતી હોય અને અન્ય વ્યકિતનું પીએમ કરવા જતાં મામલો સામે આવ્યો હતો અને મૃત બાળકની દફવીધી કરવા જતાં મીડીયાને જાણ થઈ હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પીટલના શૌચાલયના પોખરામાં માથુ પણ જાય તેવી જગ્યા નથી એટલે આ સમગ્ર બનાવ માત્ર નાટક હોવાનું દેખાઈ આવે છે જયારે હાલમાં તંત્ર દ્વારા આ મામલાને ભીનું સંકલવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

જો સંસ્થા પાસે મૃત બાળકના માતા-પિતાનું નામ હોય તો પોલીસને શા માટે જાણ કરે ? અને સમગ્ર મામલો મીડીયા પાસે આવી જતાં માતા-પિતા પણ સામે આવી જાય આ તમામ બાબતો હાલ શંકા ઉપજાવે તેવી છે.ત્યારે આ અંગે યોગ્ય અને સાચી દિશામાં તપાસ થાય તે જરૂરી છે.

(11:45 am IST)