Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સરકારની હૃદય યોજના ફ્રેઝ-ર અંતર્ગત

દ્વારકાના બ્રહ્માજીના ઇતિહાસ સાથે જોડાયેલા પ્રાચીન બ્રહ્મકુંડનું રીનોવેશન તથા રીટ્રોફીટીંગ કામ અંતિમ તબ્બામાં

દ્વારકા, તા. ૬ :  ધર્મનગરી દ્વારકાએ ચારધામ પૈકીનું એક તીર્થધામ તથા સપ્તપુરી પૈકી દ્વારકાપુરી તરીકે જગવિખ્યાત તીર્થક્ષેત્ર છે. કેન્દ્ર તથા રાજય સરકાર યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે દ્વારકામાં પણ છેલ્લા એક દાયકામાં વિકાસલક્ષી અનેક કામો થયાના દાખલા મોજુદ છે. હાલમાં સરકારશ્રી ની હૃદય યોજના અંગર્તત શહેરમાં બ્રહ્માજીના ઇતિહાસ સાથે જોડાયેલ પ્રાચીન બ્રહ્મકુંડનું ૮૮ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ છે. અને કામ પૂર્ણ થવાના આરે છે તથા ગણતરીના દિવસોમાં જ આ કુંડનું લોકાર્પણ થવાનું પાલિકાના સુત્રોમાંથી જાણવા મળેલ છે. બ્રહ્માજીના ઈતિહાસ સાથે જોડાયેલા બ્રહ્મકુંડ દ્વારકાના પ્રાચીન કુંડો પૈકી એક છે. જે સમગ્ર દ્વારકા નગરીની પ્રાચીન ધરોહર સમાન અને ઐતિહાસિક વારસા સમાન હોવાનું તેમજ ભાવિકોની આસ્થાનું સ્થળ છે. આ કુંડના નવીનીકરણ કરવાની કામગીરી અંતિમ તબ્બામાં છે ત્યારે પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશ વાઘેલા, ચીફઓફીસર ડુડીયા, પાલિકાના સદસ્ય અને ભાજપ મહામંત્રી ધવલ ચંદારાણા, મંદિરના પુજારી તથા સદસ્ય જયેશભાઇ ઠાકર વગેરેની ઉપસ્થિતિમાં બ્રહ્મકુંડની મુલાકાત લઇને કુંડની આસપાસ લાઇટીંગ ફીટ કરેલ છે તેની રોશની સાથે રાત્રીના સમયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ. લાઇવ ડેમોથી આસપાસનો વિસ્તાર ઝળહળી ઉઠેલ. ડેમોને નિહાળવા માટે આજુબાજુમાં રહેતા લોકો એકત્ર થયા હતા અને પાલિકાની કામગીરીને બીરદાવેલ.

(11:44 am IST)