Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

તળાજાના ગોપનાથ ગામના પરિણીત પુરૂષના ત્રાસથી યુવતીએ નાની બેનની હાજરીમાં જ ગળેફાંસો ખાધો

ગુજરાતમાં ૨૪ કલાકમાં બે સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ

તસ્વીરમાં તળાજા હોસ્પિટલનો પી.એમ. રૂમ, મૃતક યુવતિ નિતાબેનની ફાઇલ તસ્વીર, નીચે તસ્વીરમાં મૃતદેહ તથા બાજુમાં પિતા ગોબરભાઇ અને આરોપી યુવક નજરે પડે છે. (તસ્વીર : આનંદ રાજદેવ, તળાજા)

ભાવનગર તા. ૬ : હાથસર ની ઘટનાને લઈ દેશ ભરમાં ચકચાર છે ત્યાંજ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ખાતે એક યુવતીએ બપોરના સમયે નાની બહેનની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જીવન ટૂંકાવનાર યુવતીના માતા પિતા એ રડતી આંખે ગામના જ એક પરિણીત પુરુષ પર આરોપ લગાવતા કહયુ હતુંકે છેલા પંદર દિવસથી સતત પાછળ પડી ગયો હતો અને પજવણી કરતો હતો.

કાયદાનો લગરીકેય ડર ન હોય તેવી ઘટના દાઠા પોલીસ મથક નીચે આવતા સુપ્રસિદ્ઘ ગોપનાથ ખાતે બનવા પામી છે. ગોપનાથ ખાતે રહેતા ગોબરભાઈ બચુભાઇ બારૈયા અને તેના પત્ની જયાબેન બંને જાગધાર ગયા હતા. જાગધાર જયાબેનનું પિયર છે. ગોપનાથ ઘરે ગોબરભાઈની બે દીકરીઓ નિતાબેન ઉ.વ.૧૯ અને મીરાબેન ઉ.વ.૧૫ બંને એકલી હતી. એ સમયે ગામનોજ અને ભેળ પાણી પુરીનો ધંધો કરતો પરિણીત પુરુષ મેહુલ મકનભાઈ બાંભણીયા ઘરે આવેલ હતો. તેણે નીતાબેનને મોબાઈલ આપ્યો હતો. મોબાઈલ નહિકરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો ગયો હતો. તે વાતને લઈ નીતાબેન ને લાગી આવતા માતા પિતા જાગધાર ગયા હોય ઘરે નાની બહેન હોય તેની રૂબરૂ માજ રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનો મૃતક યુવતીના માતા અને પિતાએ આરોપ લગાવ્યો છે.

મેહુલ બે સંતાનનો પિતા હોવા છતાંય તે નીતાબેનની પાછળ છેલા પંદર દિવસથી પડી ગયો હતો. પજવણી કરતો હતો.એક તરફી પ્રેમમાં પાગલ થઈ કહેતો હતોકે તને મારે ઘરમાં બેસાડવાની છે. થોડા દિવસ પહેલા ગોબરભાઈ આરોપી મેહુલ ને ઠપકો આપી આવ્યા હતા છતાંય તેણે આજે બંને બહેનો એકલી હોય લાભ લઇ ઘરે ગયો હતો મોબાઈલ આપવા.જે યુવતી થી સહન ન થતા લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન નો અંત લાવી દીધો હતો.મૃતક ને પી.એમ માટે તળાજા હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.દાઠા પો.સ.ઇ મહેશ્વરી, હેડ.કો ભરતસિંહ , યોગરાજસિંહ વાળા ફરિયાદ લેવા અને તપાસ અર્થે દોડી આવ્યા હતા.

અગાઉ ફોન આપેલ ત્યારે પણ મારી દીકરીએ ઘા કરી દીધેલ

પરિણીત પુરુષ ના ત્રાસ થી કંટાળી મોતને વ્હાલું કરનાર નીતાબેન ના પિતાએ જણાવ્યું હતુંકે અગાઉ પણ મારી દીકરીને મોબાઈલ આપેલ.તે સમયે પણ તેણે ઘા કરી દીધેલ. આજે ફરીઘરે મોબાઈલ આપવા આવ્યો ને જતા જતા મોબાઈલ નહિ.કરેતો જાનથી મારી નાંખવાની ધમકી દેતો ગયો જેને લઈ મારી દિકરીએ અંતિમ પગલું ભર્યું છે.

ઘરની બાજુમાં નળ છે ત્યાં પાણી ભરવા આવતો ને પજવણી કરતો

યુવતીની માતા એ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે ઘરની બાજુમાં પાણીનો નળ છે ત્યાં આવતો.પજવણી કરતો કહેતો કે તું ગમે ત્યાં જઈશ મારા ઘરમાં જ બેસાડીશ.

દાઠા પો.સ.ઇ મહેશ્વરીએ જણાવ્યું હતુંકે યુવતીના પિતા ગોબરભાઈ ની ફરિયાદ આરોપી મેહુલ મકનભાઇ બાંભણીયા વિરુદ્ઘ લીધી છે. યુવતી ને મરવા મજબુર કરનાર આરોપી ની ધરપકડ માટે કાર્યવાહી હાથધરી છે. આઈ.પી.સી ૩૦૬ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(11:41 am IST)