Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોરબીના સરકારી કોરોના કેર સેન્ટરમાંથી લૂંટનો આરોપી ફરાર

મધ્યપ્રદેશથી પોલીસ પકડી લાવી'તી : મુદ્દતમાં રજૂ કરતા પહેલા જ પોઝિટિવ આવેલ : અનિલ બાંભણીયા પરોઢિયે નાસી છૂટયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ : ટંકારા તાલુકામાં અગાઉ કરવામાં આવેલ લૂંટના ગુનામાં એમપીમાં પકડાયેલા આરોપીની મોરબીની કોર્ટમાં મુદત હોવાથી એમપીની પોલીસ તેને મોરબી લઈને આવી હતી દરમિયાન તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો હતો માટે મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજની અંદર બનાવવામાં આવેલ કોરોના કેર સેન્ટરની અંદર આરોપીને રાખવામાં આવ્યો હતો દરમિયાન વહેલી સવારના આરોપી ભાગી જતા પોલીસે દોડધામ શરૂ કરી છે.

વિગતો પ્રમાણે મોરબી જિલ્લાની અંદર અગાઉ કરવામાં આવેલ લૂંટના ગુનામાં એમપીમાં રહેતો અનિલ સોબતભાઇ બાંભણીયા નામનો આરોપી એમપીમાં પકડાયો હતો અને ગુનાના કાજે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા તેની મુદત હોવાથી અનિલ સોબતભાઈ બાંભણીયા નામના આરોપીને મોરબીની કોર્ટમાં એમપીની પોલીસના જાપ્તા હેઠળ લેવામાં આવ્યો હતો જો કે કોર્ટમાં જતા પહેલા આરોપીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેમા આરોપી અનિલનો પોઝીટીવ આવ્યો હોવાથી અનિલ નામના લૂંટના આરોપીને મોરબી નજીકના ઘુટુ ગામ પાસે બનાવવામાં આવેલ કોરોના કેર સેન્ટરની અંદર મૂકવામાં આવ્યો હતો અને ત્યા પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો તેમ છતા વહેલી સવારે સાડા ચારથી છ વાગ્યાના અરસામાં લુંટના ગુનામાં પકડાયેલ આરોપી અનિલ બાંભણીયા કોરોના કેર સેન્ટરમાંથી ભાગી ગયેલ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વર્ષ ૨૦૧૯ની અંદર ટંકારા તાલુકા વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેના આધારે ટંકારા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી તેવામાં આ લૂંટના ગુનાની અંદર સંડોવાયેલ આરોપી અનિલ બાંભણીયા એમપીમાં પકડાયો હતો જેથી કરીને તે એમપી પોલીસના કબ્જામાં હતો. દરમિયાન મોરબીની કોર્ટમાં આ કેસની મુદત હોવાથી આરોપીને લઇને એમપીની પોલીસ મોરબી આવી હતીજો કે આરોપી અનિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના કારણે તેને ઘુંટુના કોરોના કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલ હતો અને એમપીની પોલીસ આરોપીને અહી મુકીને જતી રહી છે ત્યાર બાદ અહીની પોલીસનો બંદોબસ્ત કોરોના કેર સેન્ટર ખાતે હતો ત્યારે વહેલી સવારે આરોપી પોલીસને ચકમો આપીને નાશી ગયો છે અને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ઘોડા દોડાવવામાં આવ્યા છે તો પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

(11:40 am IST)