Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં ગરીબોની રોટીના સસ્તા અનાજના ઘઉંનો બેરોકટોક વેપલો

માર્કેટિંગ યાર્ડના છાપરા નંબર ૭ માં રોજિંદા ખેડૂતોના નામે ઠલવાય છે સસ્તા અનાજના ઘઉંનો જથ્થો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૬:  સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં અનેક જણસીઓ વેચાવા આવતી હોય પણ છેલ્લા કેટલાક સમયથી ગરીબોની રોટીના સસ્તા અનાજના ઘઉંનો વેપલો ચાલી રહ્યો હોય રોજિંદા ૨૫૦૦થી પણ વધારે બોરીઓ વેચાતી હોવાનું કૌભાંડની જાણ પુરવઠા તંત્ર ને થતા સ્થળ પર દોડી ગયું હતું.અલબત સસ્તાં અનાજ નાં ખાલી બારદાન ખરીધ્યા હોવાનો વેપારી દવારા બચાવ કરાયો હતો.લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા દેશ નો કોઈ નાગરિક ભૂખ્યો ન રહી જાય તે માટે ઘઉં નું વ્યાપક પ્રમાણમાં સસ્તા અનાજની દુકાનો મારફત વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તા અનાજના વેપારીઓ એ ગરીબોને ઘઉં નું વિતરણ ન કરી જથ્થો બરોબર વહેંચી નાખ્યો હોય છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ તેમજ ભારતીય ખાઘ નિગમના કટ્ટામાં ઘઉં વેંચતા હોય મોટું કૌભાંડ બહાર આવવા પામ્યું છે.

માર્કેટિંગ યાર્ડમાં સસ્તા અનાજના ઘઉં વેચાવા અંગે ચેરમેન ગોપાલભાઈ શીંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ગોંડલ ઉપરાંત આસપાસના તાલુકામાંથી વ્યાપક પ્રમાણમાં ઘઉં વેચાવા આવી રહ્યા છે યાર્ડના રજિસ્ટર માં ખેડૂતો નું નામ લખવતા હોય જેથી આવો જથ્થો વેચવા આવતા રોકી શકાતો નથી તેમ છતાં સરકારી બરદાનોને લઈ ઘઉંના વેપારીઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગોંડલ તેમજ આસપાસના તાલુકાઓમાં ઘણા ફ્લોર મિલો આવેલા હોય જેમના કેટલાક કારખાનેદારો દ્વારા પુરવઠા અધિકારીઓ, સસ્તા અનાજના વેપારીઓ સાથે મિલીભગત કરી ગરીઓના ઘઉંનો લોટ બનાવી વેચી નાખવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.

સસ્તા અનાજના ઘઉં વેંચાણ માટે આવ્યા હોવાની જાણ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને થતા તેઓ દ્રારા તુરંત સ્થળ તપાસ માટે મામલતદાર ભરતસિંહ ચુડાસમાને મોકલવામાં આવ્યા હતા જેઓની તપાસમાં માર્કેટિંગ યાર્ડની પવિત્ર નામનની પેઢી દ્વારા માત્ર સસ્તા અનાજના ખાલી બરદાન ખરીદ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું તેમજ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા માત્ર ૮ થી ૧૨ રૂપિયામાં બરદાન ખરીદ કરાતું હોય છે જયારે ઓપન માર્કેટમાં આવા બરદાનની કિંમત ૫૦ થી ૬૦ રૂપિયા સુધીની હોવાનું પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા જણાવાયું હતું.

(11:36 am IST)