Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભાવનગરમાં રૂ.૪૧.૧૫ કરોડના ખર્ચે કંસારા નદી સજીવીકરણ યોજનાનું ખાતમુહુર્ત કરતા રાજયમંત્રી વિભાવરીબેન દવે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ભાવનગર શહેરના સુભાષનગર પુલ ખાતે રાજયના રાજયકક્ષાના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તથા યાત્રાધામ વિભાગના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૪૧.૧૫ કારોડના ખર્ચે કંસારા નદીના શુદ્ઘિકરણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પૂર્ણ કરવા શહેરના તમામ શ્રેષ્ઠીઓ,નગરજનોના સહયોગની અપેક્ષા છે.આ પ્રોજેકટ થકી માત્ર કંસારા નદી જ નહિ પરંતુ બાગ-બગીચા થકી પર્યાવરણનું, ગંદકી દૂર થશે તેથી સ્વચ્છતા, બોર-ચેકડેમો બંધાતા પાણી અને મચ્છર, માખીઓનો ઉપદ્રવ દૂર થતા આરોગ્યનું પણ શુદ્ઘિકરણ તેમજ સજીવીકરણ થશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે હેપીનેસ ઈન્ડેકસમાં ભાવનગર સમગ્ર રાજયમાં અગ્રીમ સ્થાને છે ત્યારે આ પ્રોજેકટ થકી ભાવનગરના વિકાસને ગતિ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ આ પ્રોજેકટ ૮.૧ કી.મી.ની લંબાઈ ધરાવે છે. જે શહેરના કાળીયાબીડ, દુખીશ્યામબાપા આશ્રમ પાછળ આવેલ ગૌરીશંકર તળાવના વેસ્ટ વિયરથી શરૂ કરી તિલકનગર બ્રિજ પાસે આવેલ જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધીનો વિસ્તાર ધરાવે છે. આ પ્રોજેકટ હેઠળ નિર્માણ થનારી ય્ઘ્ઘ્ કેનાલની પહોળાઈ ૩૫ મીટર થી શરૂ કરી ૪૬ મીટર સુદ્યી તથા બંને બાજુ ૧૨ મીટર પહોળાઈના રસ્તાના આયોજન સાથે કુલ ૫૯ થી ૭૦ મીટરની હશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ તેમજ કાર્યક્રમની આભારવિધિ શાસક પક્ષના નેતા શ્રી પરેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.તેમજ મેયર શ્રી મનહરભાઈ મોરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, મેયર શ્રી મનહરભાઈ મોરી, પૂર્વ મેયર શ્રી નિમુબહેન બાંભણીયા તથા સુરેશભાઈ દ્યાંધલા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ.એ.ગાંધી, અલંગ એરિયા ડેવલોપમેન્ટના ચેરમેનશ્રી ગીરીશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશ રાવલ, સીટી એનજીનીયર શ્રી ચાંદારણા સહિતના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:30 am IST)