Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કચ્છમાં કોરોનાના કહેરે લીધો વધુ એક ભોગઃ નવા ૨૭ દર્દીઓ

અનલોકની છુટછાટો વચ્ચે કોરોનાનો વધતો ભરડો ભયજનક

ભુજ, તા.૬: સરકાર એક બાજુ કોરોનાની મહામારી વિશે ચેતવણી આપે છે, બીજીબાજુ વધુ છુટછાટો આપે છે. ફરી નવા અનલોકમાં અપાયેલી છુટછાટ વચ્ચે સમગ્ર દેશ અને રાજયની સાથે કચ્છમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. પોઝિટીવ દર્દીઓ સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. જયારે સરકાર દ્વારા અપાયેલી વધુ છુટછાટોને પગલે લોકો બેદરકાર થયા છે.

કચ્છમાં કોરોનાએ વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે. ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં રહેતા પુરુષનું મોત નિપજયું છે, આ પરિવારના અન્ય બે સભ્યો કોરોના સંક્રમિત છે.

કોરોનાના કહેર વચ્ચે આંકડાઓની લુકાછૂપીનો ખેલ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ચાલુ છે, જેને સુધારવા રાજય સરકાર પણ તસ્દી લેતી નથી. આવી કડવી વાસ્તવિકતા સાથે કચ્છમાં સરકારી ચોપડે નોધાયેલા કોરોનાના દર્દીઓની વાત કરીએ તો નવા ૨૭ દર્દીઓ સાથે કુલ દર્દીઓ ૨૨૬૪ થયા છે. જેમાં ૧૭૮૯ સાજા થયા છે. જયારે ૩૬૨ સારવાર હેઠળ છે. સરકારી ચોપડે ૬૭ મોત દર્શાવાયા છે. જે ૪૬ દર્દીઓની ઘટ આવે છે, તે જોતાં મૃત્યુ આંક ૧૧૩ હોય એવી આશંકા છે.

(11:38 am IST)