Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભાવનગરમાં એક મોત : મોરબી SBIના ૧૪ કર્મચારીઓ સંક્રમિત

ભાવનગર -૩૨, મોરબીમાં બાવીસ કેસ : મોરબીમાં કર્મચારી પરિવારના સદસ્ય પણ ઝપટમાં: જસદણમાં કેટલાય દી' પછી કોરોના દેખાયો -૧૫ કેસ

રાજકોટ,તા. ૬: સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોનાના કેડો મૂકતો નથી. ત્યારે ભાવનગરમાં આજે એક મોત થવા પામ્યું છે. જ્યારે મોરબી એસબીઆઇ બેંકના ૧૪ કર્મચારીઓ સંક્રમિત થયા છે. બીજી તરફ મોરબી-૨૨, જસદણ-૧૫, ભાવનગર -૩૨ કેસ નોંધાયા છે જે અહેવાલ અહીં રજુ છે.

ભાવનગરમાં ૩૯૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : જિલ્લામા વધુ ૩૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૩૫૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૩૨ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧ તેમજ સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૪ એમ કુલ ૩૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૩૫૦ કેસ પૈકી હાલ ૩૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૮૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી એસબીઆઇની મુખ્યબ્રાંચમાં કોરોનાનો કહેર,  બેંક બંધ

મોરબી એસબીઆઈ બેંકની પરાબજાર શાખામાં ફરજ બજાવતા ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે બેંકમાં કામ કરતા ૧૪ કર્મચારી અને એક કર્મચારીના પરિવારનો સદસ્ય એમ ૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે જેના પગલે સોમવારથી જ એસબીઆઈ બેંકને બંધ કરી દેવામાં આવી હતી તેમજ ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી બેંક બંધ રહેશે તેવું પણ બેંક ખાતે પોસ્ટર લગાવી સુચના આપવામાં આવી છે તે ઉપરાંત કોરોના સંક્રમિત સ્ટાફ પૈકી મોટાભાગનો સ્ટાફ કરન્સી વિભાગ સાથે સંકળાયેલ હોવાથી ગ્રાહકો જે છેલ્લા સમયમાં વ્યવહાર કર્યા હોય તેમજ ચલણી નોટો પણ ફરતી થઇ હોય જેથી નાગરિકો પણ નોટો ગણ્યા બાદ હાથ સેનેટાઈઝ કરવાની તકેદારી દાખવે તેવું બેંક અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એસબીઆઈ બેંકમાં કેશનો મોટો વહીવટ હોય છે તે ઉપરાંત એટીએમમાં કેશ લોડ સહિતની મોટી કામગીરી મુખ્ય બ્રાંચ થકી થતી હોય છે ત્યારે એકસાથે આટલા કેસો નોંધાતા મોરબી માટે ચિંતાનો વિષય બની રહે છે.

જસદણમાં કોરોના પોઝીટીવ : પાંચસોનો આંકડો પાર

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ શહેરમાં દિવસો પછી કોરોનાએ ફર હાહાકાર મચાવતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. સોમવારે શહેરના અંબિકાનગર, જીલેશ્વરપાર્ક, ગીતાનગર, તરગાળાશેરી, વ્હોરાવાડ જેવા વિસ્તારોમાં ફરી કોરોના મેદાને પડતા લોકોમાં રીતસરનો ભય ફેલાયો છે.

જસદણમાં અનલોકમાં મોટા ભાગના લોકોને જાણે કોરોનાનો ભય જ ન હોય એવી રીતે વર્તી રહ્યા છે. હાલ કોરોનાએ શહેરમાં અજગરી ભરડો લીધો હોવા છતાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા નથી મોંઢે નામ પુરૂતુ માસ્ક બાંધ્યુ હોય છે. આવી બેફિકરાઓની અનેક હરકતોથી કોરોના પોઝીટીવની સંખ્યા પાંચસોને આંબી ગઇ છે.અડધા દર્દીઓ હજુ સારવાર હેઠળ છે ૧૯ જેટલાં તો સત્તાવાર મરણ આંક છે ત્યારે વધુ કોરોના ન ફેલાય તે અંગે સંબધિત તંત્ર લોકડાઉન જેમ કડક હાથે કામ લે અને તંત્રને શહેરીની સામાજિક, રાજકીય, ધાર્મિક વૈદકીફ, વેપારી, સેવાકીય સંસ્થાઓ સહકાર આપે તો કોરોના વકરતો અટકી શકે.

મોરબી જીલ્લામાં ૨૩ દર્દીઓ ર્ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૨૨ કેસો નોંધાયા છે તો વધુ ૨૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં આજે નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય વિસ્તારમાં અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૨ કેસો નોંધાયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૮૦૯ થયો છે જેમાં ૨૦૩ એકટીવ કેસ છે જયારે ૧૫૦૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:38 am IST)