Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સાવરકુંડલા એસટી ડેપોમાં બે એપ્રેન્ટિસ ૩૮ હજાર ચાઉં કરી ગયા

બસ પાસ કમ્પ્યુટરાઇઝડ કરવાને બદલે હાથથી બનાવી રૂપિયા ખિસ્સામાં પધરાવ્યા

અમરેલી : સાવરકુંડલા એસ.ટી. ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા બે શખસોએ મુસાફરોના પાસ કમ્પ્યુટરાઇઝ બનાવવાના બદલેે હાથેથી ઇસ્યુ કરી પાસની રકમ રૂ. ૩૮,ર૮૦ જમા કરાવવાના બદલે ચાઉં કરી ગયાની ફરિયાદ પોલીસમા નોંધાતા ભારે ચકચાર જાગી છે.

સાવરકુંડલા એસટી ડેપોમાં ડેપો મેનેજરની ફરજ હોવા છતાં પણ આવા જવાબદાર અધિકારીની ઉપસ્થિતિ જ ન હોય તેવો માહોલ અવારનવાર સર્જાયાની અનેક ફરિયાદ ઉઠવા પામેલ હતી. જેથી નમૂનારૂપ ઘટનામાં ડેપોમા એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા મેહુલ કેશુ ઉનાવા(રેહે. વિજપડી) અને સુરેશ દેવશી ગોરસિયા(રહે. ધોબા) નામના બે યુવાનોને એસટી ડેપોમાં મુસાફરોના પાસ કાઢી આપવાની  ફરજ સોંપવામા આવી હતી. બંને એપ્રેન્ટિસોેએ પૈસા કમાઇ લેવાની દ્રષ્ટિથી મુસાફરી પાસ કોમ્પ્યુટરાઈઝડ કાઢવાના બદલે ૧/૧૦/૧૮ થી ૩૧/૮/ર૦૧૯ દરમ્યાન મેન્યુઅલ રીતે પાસ કાઢીને પાસની રકમ એસટી વિભાગમાં જમા કરાવવાને બદલે ખિસ્સામાં પધરાવી દીધી હતી. આ અંગે એસટી ના અધિકારીઓનું ધ્યાન જતા પ્રથમ ખાતાકીય રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં હાથ વડે મુસાફરી પાસ કાઢી રકમ બારોબાર ચાઉં કરી ગયાનુ ખુલવા પામ્યુ હતુ.

ડેપો મેનેજર પરબતભાઇ બી. મકવાણાએ ગઇ કાલે બંને એપ્રેન્ટિસ સામે સાવરકુંડલા પોલીસ મથકમાં  રૂ. ૩૮,ર૮૦ ની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધવામા આવી છે.

(1:17 pm IST)