Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દ્વારકા રૂપેણ બંદરે માછીમારોને અટકાવતા દોડધામ

દ્વારકા : રૂપેણ બંદર ઉપર  બપોરે બંદરના માછીમારોને દરીયામાં માછીમારી કરવાના પ્રશ્ને વહીવટીતંત્ર દ્વારા અટકાવવામાં આવતા મોટી સંખ્યામાં માછીમારો દ્વારકા - ઓખા હાઇવે રોડ .પર ચકકાજામ કરી હાઇવે માર્ગ અચાનક જ બંધ કરી દેતા પોલીસ અને વહીવટીતંત્રને દોડાદોડી કરાવી મુકી હતી. દોઢ કલાક જેટલા સમય માટે વાહનો અટકાવી દેતા હાઇવે માર્ગ વાહનોથી ખીચોખીચ ચીકાર કરી દીધુ હતુ. પોલીસે કેટલાક માછીમારોની અટકાયત પણ કરી હતી. મળતી માહિતી અનુસાર દર વર્ષે ૧પ ઓગસ્ટ આસપાસ દરીયામાં માછીમારીની સીઝન શરૂ થતી હોય. પરંતુ માછીમારોએ સમય પહેલા વહેલાસર દરીયામાં  જવાની હીલચાલ કરતા આ પ્રશ્ન ઉભો થયો છે. (અહેવાલ : વિનુભાઇ  સામાણી, તસ્વીર : દિપેશ સામાણી - દ્વારકા)(૭.ર૮)

રૂપેણ બંદરે ચક્કાજામ કરનાર મહિલાઓ સહિત ૨૧ સામે કાર્યવાહી

ખંભાળિયા, તા. ૬ :. દ્વારકાના રૂપેણ બંદર હાઈવે પર ચક્કાજામ કરી ૪૦૦ થી ૫૦૦ માણસ ભેગા કરનાર મહિલાઓ સહિત ૨૧ સામે પોલીસે કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર હાઈવે રોડ પર ચોક્કસ બાબતે સ્થાનિકો દ્વારા માણસો ભેગા કરી રોડ પર બેસી જઈને વાહન અટકાવતા દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને રોડ પરથી લોકોને ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. રોડ પર માણસો ભેગા કરતા સલીમ જુસબ પટેલીયા, મુમતાઝ સલીમભાઈ, ફાતમા મુસાભાઈ, લખા જુમા ભેસલીયા, અસ્લમ આમદ, સોયબ હુસેન, મહમદ હનીફ, યફુર જુમા ભેસલીયા, હવાબેન આરબ, સબીર હાજી ભેસલીયા, હસન ભીખુ સમા, ઉમર જુસબ પટેલીયા, કાસમ જાકુમ ભેસલીયા, હુસેન મામદ પટેલીયા, ઈશા હાજી સુમાર ભેસલીયા, કમુ જુસબ ઈસબાણી, યુસુફ અલી ઈસબાણી, ઈસ્માઈલ ઉમર ભેસલીયા, મામદ ઈશા લુચાણી, મામદ સુલેમાન સમા, આરીફ મુસા ભેસલીયા સહિતના વિરૂદ્ધ કાર્યવાહી કરી સીઆરપી ૪૧(ક) મુજબ નોટીસ આપવામાં આવી છે.

દ્વારકામાં યુવકની ધોલધપાટ

દ્વારકાના હોમગાર્ડ ચોકમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા કિશન વસંતીલાલ મીન (ઉ.વ. ૨૯) નામનો વિપ્ર યુવક ગઈકાલે કિર્તી સ્તંભ પાસે હતો ત્યારે એકાદ મહિના પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખી કાયાભા વાઘેર અને આલાભા વાઘેરે ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારતા બન્ને શખ્સો સામે દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા ટાઉન અને હમુસરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

દ્વારકાના હમુસર  ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા પ્રવિણભા અજાભા હાથલ, ડુંગરભા ભુટાભા હાથલ, મનીષભા દેવશીભા હાથલને રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂ. ૭૬૩૦ની મત્તા સાથે ઝડપી લઈ દ્વારકા પોલીસે ગુનો નોંધ્યો છે. બીજા દરોડામાં નરસંગ ટેકરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ગોગન દેવાભાઈ ધાનાણી તથા અબ્દુલ આદમ ભીખલાણીને પકડી પાડી તેમની પાસેથી ૧૨,૨૭૦ની મત્તા કબ્જે કરી હતી.

દ્વારકાના પંચકુઈ દરીયા કાંઠેથી લાશ મળી

દ્વારકાના પંચકુઈ નજીક દરીયાકાંઠેથી ૩૦થી ૩૫ વર્ષના યુવકની નગ્ન હાલતમાં ફુલાયેલી લાશ મળતા તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી દુર્ગંધ મારતી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. કેટલાક દિવસથી યુવકની લાશ દરીયામાંથી તણાઈને આવી હોવાથી ઓળખી ન શકાય તેવી હાલતમાં હોવાથી પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે

(12:53 pm IST)