Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરેન્દ્રનગર પાસે કારમાં લઈ જવાતા ૯ ઘેટા સાથે શખ્સ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: એ ડીવીઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ઉપરથી સફેદ કલરની કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવવાની કોશીશ કરતા કાર ચાલકે પુર ઝડપે કાર ભગાવી હતી તેથી પોલીસે તેનો પીછો કરતા દુધરેજ નર્મદા કેનાલ પાસે કાર ઉભી રાખી ડ્રાઈવર નાસી ગયો હતો જયારે એક શખ્સ ઝડપાઈ ગયો હતો. કારની તલાશી લેતા તેમાં દ્યાસચારા-પાણીની વ્યવસ્થા વગર, ક્રુરતાપુર્વક ખીચોખીચ રીતે ડેકીમાં બે અને પાછળની સીટમાં સાત મળી નવ જેટલા ઘેટા મળી આવ્યા હતા.

પોલીસે વઢવાણ માલધારી ચોક જુના ખાટકી વાડમાં રહેતા શાહરૂખ ઈબ્રાહીમભાઈ મમાણીની અટક કરી હતી, જયારે નાસી છુટેલા કાર ચાલક મેમુદ ઈસ્માઈલભાઈ મમાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે બન્ને સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ ૧૧ ૧(કે) ૧૧ ૧(ડી) ૧૧ ૧(એચ)મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

દારૂ પકડાયો

ખારાઘોડા સ્ટેશન વિસ્તારમાં મારૂતી કાંટાની સામે રેલ્વે પાટા પાસે આવેલ ભારતીબેન ગલાભાઈ ઠાકોરના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રૂ. ૧૨,૫૦૦ની કિંમતની અંગ્રેજી દારૂની બોટલ નંગ ૩૫ તથા બીયરની બોટલ નંગ ૨૦ મળી આવી હતી. પોલીસે દારૂ-બિયર કબજે કરીને ભારતીબેન સામે ગૂનો દાખલ કરી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

(12:47 pm IST)