Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભાવનગરના વાળુકડ-ભગુડા-ગારીયાધારમાં કિસાન સન્માન સમારોહ : કૃષિ કીટનું વિતરણ

રાજકોટ,તા.૬ : તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજયમાં 'સુશાસન પાંચ વર્ષ' ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ શ્રેણીબદ્ઘ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. 

 તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં 'કિસાન સન્માન દિવસ'  અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં હતાં.

ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ ભારત દેશના ખેડૂતની હાલત ખરાબ રહી હતી. પરંતુ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાણાંકીય, ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી, વ્યાજમાફી, ધિરાણ સહાય, તેમજ તાજેતરમાં રાજય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવાં પગલાઓ દ્વારા ખેડૂતની આવક બમણી થાય અને રાજયનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે અનેક કદમ ઉઠાવ્યાં છે.

ચેરમેનશ્રીએ રાજય સરકાર ખેડૂતની આવક બમણી થાય અને તેના દ્વારા ખેડૂતના ઘરમાં આર્થિક ઉજાસ ફેલાવા સાથે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપે તે દિશાના પગલાઓની સમજ ઉપસ્થિત ખેડૂતોને આપી હતી.

તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુકિત મળશે. એક સમય એવો હતો કે, વાળું વેળાએ વીજળી મળશે કે કેમ તેના વિશે સંશય હતો. આજે રાજયના ગામડાઓમાં જયોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક ગામડામાં પણ વીજળી મળે તેવું સુદ્રઢ વીજ માળખું રાજય સરકારે ઉભું કર્યું છે.

ચેરમેનશ્રીએ કહ્યું કે, આજે રાજયમાં ૮૦ કરોડના બીજ સંગ્રહ ગોડાઉનના લોકાર્પણ રાજયમાં થવાના છે. આજથી ૧,૫૦૨ ગામડાના ૧.૨૫ લાખ ખેડૂતોને વીજળીનો લાભ મળવાની શરૂઆત થવાની છે. રાજયના ખેડૂતોને છેલ્લાં પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડની વીજળીની સીધી સહાય આપી છે.૮,૦૨૯ કરોડની ધિરાણ પર વ્યાજમાફી આપી છે.

તેમણે કહ્યું કે, રાજય સરકારે શિક્ષણ પછી સૌથી મોટું બજેટ કૃષિ માટે ફાળવ્યું છે. આજે ઘોઘા તાલુકાના ૨૮ ગામો પણ કિસાન સૂર્યોદય યોજનાથી જળહળાં થવાનાં છે.

કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, જગતનો તાત એવો ખેડૂત જગતનું પોષણ કરે છે ત્યારે તેને સગવડ અને સુવિધા મળે તો તેના બાવળામાં બળ આવે અને તે વધુ સારી રીતે કાર્ય કરી શકે. કિસાન સન્માન નિધિના કાર્યક્રમ દ્વારા ખેડૂતોને સાધન-સહાય મળવાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

'કિસાન સન્માન દિવસ' અંતર્ગત મહાનુભાવોના હસ્તે કૃષિકારોને કૃષિ કીટ, તારની વાડ, છાંયડા માટેની છત્રી, દેશી ગાય માટેની નિભાવ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વીજ અધિક્ષક ઇજનેર ડી.ડી.લાખાણીએ ભાવનગર જિલ્લામાં આજથી ૪ સબ સ્ટેશનો ખાતે ૧૮ ફીડરોમાં પાવર સપ્લાય ચાલુ કરવામાં આવશે. જેનાથી ૩૫ ગામોમાં થ્રી ફેઝ વીજળી મળવાની શરૂઆત થશે. આ અગાઉ જાન્યુઆરી- ૨૦૨૧ થી ૧૧૫ ગામોમાં થ્રી ફેઝ વીજળી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાંત અધિકારી પુષ્પલતા,  જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતિ કામુબેન ચૌહાણ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જાન્હવીબા ગોહીલ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી પેથાભાઈ ડાંગર, ભુપતભાઇ બારૈયા,  દિગ્વિજયસિંહ ગોહિલ, અરવિંદભાઈ ડાભી, પ્રવિણભાઈ બારૈયા સહિતના પધાધિકારીઓ-મહાનુભાવો તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:03 pm IST)