Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામનગર જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ

જામનગર, તા.૬: ગુજરાત રાજયમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને માર્ગ સલામતી કમિટીના દિશા નિર્દેશોનુ પાલન કરવા રાજય સરકાર દ્વારા જિલ્લા સ્તરે માર્ગ સલામતી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જેમાની જામનગર જિલ્લા માર્ગ સલામતી કાઉન્સીલની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં માર્ગ સલામતીના તેમજ ટ્રાફીકના વિવિધ પ્રશ્નોના ઉપાય માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

જે અનુસાર વિવિધ ચોકડીઓ તેમજ જોલીબંગલા પાસે અવાર-નવાર ટ્રાફીક રહેતો હોય ત્યાં ટ્રાફીક પોઈન્ટ મુકી ટ્રાફીકના નિયંત્રણની વ્યવસ્થા કરવા, ફુટપાથ પરના અવૈધ દબાણ દુર કરવા, સ્પીડ બ્રેકર તેમજ ઝીબ્રા ક્રોસીંગના પટ્ટા લગાવવા, રસ્તા પર રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા તેમજ એસટી ડેપો આસપાસ ટ્રાફીક જામની પરિસ્થિતી નિવારવા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત જામનગર શહેરમાં પ્રાઈવેટ બસો માટે પાર્કીંગની વ્યવસ્થા, સ્કુલવાનમાં કે રીક્ષામાં બાળકોને બેસાડવા નિયમ મુજબની કાર્યવાહી કરવા, દિગ્જામ સર્કલ પાસે બંધ રહતી સ્ટ્રીટલાઈટના પ્રશ્નને હલ કરવા અને અમુક વિસ્તારોને વન-વે ઘોષીત કરવા વિશે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ સમયે માર્ગ અકસ્માતો નિવારવા અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા વિવિધ સમયાંતરે પસાર થતા સંદ્યના પદયાત્રીઓને માર્ગ પર જમણી બાજુ ચાલવા માટે અને સંઘની સેવા માટે ઉભા કરાયેલા સેવા કેન્દ્રોને પણ માર્ગની જમણી તરફ બનાવવાની સૂચના ખાસ ધ્યાને લેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયા, આર.ટી.ઓ. જાડેજા અને ટ્રાફિક પી.આઈ. કે.કે.બુવડ, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:33 pm IST)