Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જુનાગઢના નરસિંહ તળાવની યુધ્ધનાં ધોરણે સફાઇઃ રપ ટ્રેકટર ગાંડી વેલનો કરાયો નિકાલ

મેયર શ્રી ગોહેલ અને કમિશ્નરશ્રી સુમેરાએ લીધી મુલાકાત

જુનાગઢ તા. ૬: જુનાગઢનાં નરસિંહ તળાવની યુધ્ધનાં ધોરણે સફાઇ હાથ ધરી પાંચ દિવસનાં રપ ટ્રેકટર ગાંડી વેલનો નિકાલ કરવામાં આવેલ છે.

 

શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં વરસાદી પાણીને લઇ ગાંડી વેલનું સામ્રાજય છવાય ગયું હતું જેને લઇ સરોવરની સુંદરતાને ઝાંખપ લાગી ગઇ હતી. આથી કમિશ્નરશ્રી તુષાર સુમેરાએ તળાવની તાત્કાલિક સફાઇ હાથ ધરવા સુચના જારી કરેલ.

જેના પગલે મનપાનાં વાહન વ્યવહાર અધિકારી શ્રી અતુલ મકવાણાએ તાત્કાલિક ર૦ કર્મચારીઓને તૈનાત કરી તળાવમાંથી ગાંડી વેલ અને ગંદકી-કચરાનાં નિકાલ માટે મહા અભિયાન હાથ ધર્યું છે.

ટ્રાન્સપોર્ટ ઓફિસર શ્રી મકવાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, પાંચ દિવસમાં તળાવમાંથી રપ ટ્રેકટર ગાંડી વેલ કાઢીને તેનો નિકાલ કરવામાં આવેલ છે. અને આજથી તળાવની અંદર સફાઇ શરૂ કરવામાં આવી છે.

નવ નિયુકત મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ તળાવની મુલાકાત લઇ સફાઇ કામગીરીની પ્રસંશા કરી હતી.

મેયર શ્રી ગોહેલે સમગ્ર નરસિંહ મહેતા સરોવરને તાત્કાલિક ચોખ્ખુ ચણાક કરવાની તાકીદ કરતાં અધિકારી શ્રી અતુલ મકવાણાની જાત દેખરેખ નીચે આજે સવારથી ર૦ જેટલા કર્મચારીઓએ તળાવની અંદર ફરતેથી સફાઇ સઘન બનાવી છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:27 pm IST)