Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોરબીમાં એક માસમાં રોડ રીપેર થાય નહીં તો નગરપાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી

 મોરબી,તા.૬: શહેરના રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં હોય અને નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરોએ નાગરિકોના હિતમાં પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે અને રોડ રસ્તાના રીપેરીંગ મામલે એક માસનું અલ્ટીમેટમ આપીને નગરપાલીકા કચેરીને તાળાબંધીની ચીમકી અપાઇ છે.

 મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને જીગ્નેશભાઈ પંડ્યાએ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા હદમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે શહેરના રવાપર રોડ, શકિત પ્લોટ, કલેકટર બંગલો રોડ, તખ્તસિંહજી રોડ, વાવડી રોડ અને પંચાસર રોડ સહિતના રસ્તાઓમાં ખાડા સિવાય કાઈ જોવા મળતું નથી જેથી દરરોજ પસાર થનાર વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ઉપરાંત સિવિલ હોસ્પિટલ બહાર નીકળતા જ મગર મચ્છની પીઠ સમાન રોડ અને ખાડા ખબડા તેમજ પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળે છે જેથી આ અંગે એક માસમાં યોગ્ય પગલા ના લેવામાં આવે તો મોરબીની પ્રજાના હિતમાં મોરબી નગરપાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(11:57 am IST)