Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રાજકોટ એસટી ડિવીઝનની બસો જે ગામમાં વર્ષોથી ગઇ નથી ત્યાં આજથી શરૃઃ ચોટીલાના ૨૪ ગામો આજે આવરી લેવાયા

મેવાસામાં બસ-ડ્રાઇવર-કંડકટરનું શાનદાર સ્વાગતઃ અમૂક ગામો એવા છેકે જયાં આઝાદી પછી બસ પહોંચી નથી : કુલ ૧૬૨ ગામોમાં આ અઠવાડિયામાં બસો શરૂ કરી દેવાશેઃ જેઠવાનો નિર્દેશ : સુરેન્દ્રનગરના-૮૦ રાજકોટના-૨૬ તથા મોરબી જિલ્લાના-૫૬ ગામો આવરી લેવાશે

ચોટીલાના મેવાસા ગામે પ્રથમ વખત એસટી બસ આવી પહોંચતા શાનદાર સ્વાગત કરાયું તે નજરે પડે છે.

રાજકોટ તા.૬: રાજકોટ એસટી ડિવીઝને મહત્વનું કાર્યકરી આવી રહેલા તહેવારો ઉપર જ બસની સુવિધા ગ્રામ્ય વિસ્તારો માટે વધારી દીધી છે. ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ આજે બપોરે ''અકિલા'' ને જણાવ્યું હતું કે, આજથી એસટીની સવારીગ્રામ્ય વિસ્તારોમાં તેનો અમલીકરણ શરૂ કરી દેવાયો છે, આજે ચોટીલાના ૨૪ ગામોમાં બસો મોકલાઇ હતી.

શ્રી જેઠવાએ ઉમેર્યુ હતું કે, આ અઠવાડિયામાં કુલ ૧૬૨ ગામો કે જે એસટી બસ વિહોણા છે તે તમામ આવરી લેવાશે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૮૦ ગામો, રાજકોના ૨૬ તથા મોરબી જિલ્લાના ૫૬ ગામો આવરી લેવાયા છે.

અત્રે એ નોંધનીય છે કે આઝાદી બાદ રાજકોટ એસટી ડિવીઝનના એવા કેટલાય ગામો છે કે જયાં બસ શરૂ થવા જઇ રહી છે, તો બાકીના ગામોમાં ૫ થી ૩૦ વર્ષથી બસનું મોઢું જોયું ન હોય તેવા ગામો પણ છે.

આજે ચોટીલાના મેવાસા ગામમાં એસટી બસ પહોંચતા ઉત્સાહનો માહોલ હતો, ગ્રામજનોએ અક્ષત-કંકુના ચાંદલા કરી બસ તથા ડ્રાઇવર-કંડકટરનું ભવ્ય સ્વાગત કરી એસટી તંત્રનો આભાર માન્યો હતો, ચોટીલા તાલુકાના ૨૪ ગામોમાં આજે એેકી સાથે પહેલીવાર બસની એન્ટ્રી થઇ હતી.

(3:41 pm IST)