Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

બોટાદ શાખાની નર્મદા કેનાલ ચાલુ કરવા સાત ગામના ખેડૂતોએ કરી પ્રબળ માંગણી

જો નર્મદાનું પાણી નહિ અપાય તો પાક નિષ્ફળ જતા ૭ કરોડનું બિયારણ બળી જશે : સુરેન્દ્રનગર જિ. કલેકટરને આવેદન પાઠવ્યુ ૭ દિ' બાદ કલેકટર કચેરીએ ઉપવાસની ચીમકી

સુરેન્દ્રનગર તા. ૬ :.. વઢવાણ તાલુકાના ગામો ખોલડીયાદ, માલોદ, ખેરાલી, ગુંદીયાળ, ટીંબી, ઢુવા, કારીયાણી ગામના ખેડૂતોએ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી બોટાદ શાખા નહેર નર્મદા કેનાલ ચાલુ કરી ખેડૂતો પાક બચાવવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, ખોલડીયાદ વિગેરે ગામના ખેડૂતભાઇઓની ગામની ખેતીની જમીન સુરેન્દ્રનગર ધોળીધજા ડેમથી બોટાદ શાખા કેનાલની આસપાસ આવેલ છે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા તેમજ એક ઇંચથી પણ ઓછો વરસાદ થતા ખેડૂત ભાઇઓ અમારી માલીકીની સંપૂર્ણ જમીન ઉપર વાવેતર કરેલ છે. જે મોલ મોલાત હાલમાં વરસાદ નહી હોવાના કારણે સૂકાય છે.

સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં  આવેલ કે ખેડૂત ભાઇઓને વરસાદ નહી થતા નર્મદાના નીર આપવામાં આવશે પરંતુ અમારા પાક સુકાતા હોય કુટુંબનું ભરણ પોષણ ખેતી આધારીત હોય અમોને પાક લેવામાં મુશ્કેલી પડે તેમ છે. તેમજ કોઇપણ પ્રકારનું પાણી આપવામાં નહી આવે તો ઉત્પાદન લઇ શકાય તેમ નથી ઉલટાનું બિયારણ ખેતી તથા છેલ્લા દોઢ માસમાં દરેક ખેડૂતે કરેલ મહેનત અને ખર્ચ અંદાજે ગામ દીઠ ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ રૃપિયા) કુલ મળી અંદાજી રૃા. ૭,૦૦,૦૦,૦૦૦ (સાત કરોડ રૃપિયા) બિયારણનું નુકશાન સહન કરવુ પડે તેમ છે.

પાક નિષ્ફળ જતા ખેડૂતભાઇઓ બરબાદ થઇ જાય તેમ છે. માંગણી છે બે દિવસમાં અમારી માંગણી વાળી કેનાલ ચાલુ કરી આપવામાં સત્વરે સુચના આપવા માંગણી છે જો આમ નહી કરવામાં આવે તો સાત દિવસમાં સાતેય ગામના ખેડૂત ભાઇઓ પરીવારજનો સાથે આપની કચેરી સમક્ષ ઉપવાસ આંદોલન કરશું તેમ અંતમાં જણાવેલ છે.

(12:05 pm IST)